VIDEO : વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી ભીષણ આગ, બે લોકોના મોત
Vadodara News : વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો થતા વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી. ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક કિલોમીટરો સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા છે. આગની આ ઘટનામાં એક શ્રમિક સહિત બે લોકોના મોત થયાના સમાચાર છે.
વડોદરા સ્થિત કોયલી ખાતે આવેલી ગુજરાત રીફાઇનરીમાં આજે બપોરે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી હતી. આસપાસમાં રહેતા રહીશો આ ધડાકાના કારણે ધ્રુજી ઉઠ્યાં હતા. બ્લાસ્ટને પગલે આખા વિસ્તારમાં સાયરનના અવાજો ગુંજી ઉઠતા ફાયર બ્રીગેડની ટીમ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંચ કિ.મી દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નિકળતા જોવા મળી રહ્યાં હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.
ગુજરાત રિફાઇનરી,વડોદરાના બેનઝીન સંગ્રહ સુવિધા( 1 હજાર લિટર ક્ષમતા) ખાતે અંદાજે બપોરના 3:30 કલાકે આગની ઘટના ઘટી હતી. રિફાઈનરીની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પરિસ્થિતિને થાળે પાડવા પ્રયત્નશીલ છે અને હાલમાં અગ્નિશમનની કામગીરી ચાલુ છે. આગને નિયંત્રિત કરવા નજીકની જળ છંટકાવ પ્રણાલીને સક્રિય કરીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગનું કારણ હજુ નક્કી થયું નથી.

