પત્નીને પિયરમાં મૂકી પતિએ કર્યા બીજા લગ્ન, દહેજ અને ત્રાસના ગંભીર આક્ષેપ

વડોદરાના ફતેપુરામાં પિતાના ઘરે રહેતી લુબનાબેન પઠાણે ડભોઈના પતિ ફૈજાન ઈકબાલખાન પઠાણ, સાસુ અનીશાબેન અને સસરા ઈકબાલખાન વિરુદ્ધ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ, દહેજની માગણી તથા અન્ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પત્નીના જણાવ્યા મુજબ, લગ્ન બાદ શરૂઆતમાં સંસાર સારો ચાલ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ઘરકામની નાની-નાની બાબતોને લઈને પતિ તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
પુત્રીના જન્મ બાદ પતિએ મારઝૂડ કરી હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, 9 મે 2025ના રોજ લુબનાબેને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પતિએ પુત્રની ઈચ્છા વ્યક્ત કરી પુત્રીના જન્મને લઈને તેની સાથે મારઝૂડ કરી હોવાનો આક્ષેપ છે. પત્નીએ સાસુ અને સસરાને પતિના વર્તન અંગે જાણ કરતાં તેમણે સમાધાન કરાવવાને બદલે પતિને ઉશ્કેર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રૂ.5 લાખ રોકડા લાવવાની માગણીનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો તેની સાથે રહેવું હોય તો પિતાના ઘરેથી રૂ.5 લાખ રોકડા લઈ આવવા પડશે. સાથે જ બીજી યુવતી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લુબનાબેને જણાવ્યું કે સંસાર ન તૂટે તે માટે તે લાંબા સમય સુધી આ કથિત ત્રાસ સહન કરતી રહી હતી.
વડોદરા મૂકી ગયા બાદ બીજા લગ્ન કર્યાનો દાવો
ફરિયાદ મુજબ, 19 જૂન 2026ના રોજ પતિ લુબનાબેનને વડોદરા ખાતે પિતાના ઘરે મૂકી ગયા હતા. ત્યારબાદ પતિએ અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી. આ ઘટનાને લઈને પત્નીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે તપાસની માગ કરી છે.
દાગીના ગીરવે મૂક્યાનો પણ આક્ષેપ
લુબનાબેનના જણાવ્યા અનુસાર, લગ્ન સમયે તેમના પિતાએ આપેલા દાગીનામાંથી સોનાનો હાર સસરાએ બેંકમાં ગીરવે મૂક્યો છે. અન્ય દાગીના તેમજ ફર્નિચર પણ સાસરીમાં રાખી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કુંભારવાડા પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

