વડોદરામાં બોમ્બની ધમકીનો સિલસિલો: કારેલીબાગ બ્રાઈટ સ્કૂલ સહિત 18 શાળાઓને મળ્યા ધમકીભર્યા ઈ-મેલ

Vadodara news: સાંસ્કૃતિક નગરી વડોદરામાં આજે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર અને જિલ્લાની કુલ 18 શાળાઓને આજે એક પછી એક ધમકીભર્યા ઈ-મેલ મળતા પોલીસ તંત્ર અને શિક્ષણ જગતમાં ભારે દોડધામ મચી ગઈ છે.
બ્રાઇટ સ્કૂલને સાંજે મળ્યો ઈ-મેઈલ
તાજા વિગતો મુજબ, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જાણીતી બ્રાઇટ સ્કૂલને આજે સાંજે એક અજાણ્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અગાઉ સવારથી સાંજ સુધીમાં શહેરની પ્રતિષ્ઠિત શાળાઓ સહિત કુલ 18 શાળાઓને આ પ્રકારે નિશાન બનાવવામાં આવી છે.
વડોદરાની 18 સ્કૂલને બોમ્બની ધમકી
ડી. આર. અમીન, વાસણા રોડ
ઉર્મી, સમાસાવલી
નાલંદા, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કૂલ, બગીખાના
નવયુગ, સમા
જીવન સાધના, નાગરવાડા
AWS, ડભોઈ
શાનેન, ખોડિયાર નગર
ગુજરાત પબ્લિક સ્કૂલ - વાઘોડિયા
બ્રાઇટ સ્કૂલ - ભાયલી
બિલાબોંગ સ્કૂલ- વડસર
આત્મીય વિધાલય- માંજલપુર
ડોન બોસ્કો- માંજલપુર
ઓક્ઝેલિયમ સ્કૂલ - માંજલપુર
ઝેનિથ સ્કૂલ - પ્રતાપનગર
અમેરિકન સ્કૂલ ઓફ બરોડા - આજવા રોડ
બરોડા પબ્લિક સ્કૂલ - વાઘોડિયા
ગ્રીન વેલી સ્કૂલ - અંપાડ
તપાસ એજન્સીઓ એલર્ટ પર
ધમકીની જાણ થતા જ વડોદરા પોલીસની વિવિધ ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડ તાત્કાલિક અસરથી શાળાઓ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્કૂલ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાયબર ક્રાઈમની ટીમ પણ આ મેલ ક્યાંથી આવ્યો છે અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે.
તંત્રની અપીલ
એકસાથે આટલી મોટી સંખ્યામાં શાળાઓને ધમકી મળતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં તમામ શાળાઓમાં તપાસ શરૂ છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.

