VIDEO: અમદાવાદ-ઉદેપુર વંદે ભારત ટ્રેનનો ભવ્ય પ્રારંભ: હિંમતનગર રેલવે સ્ટેશને સાંસદોએ આપી લીલીઝંડી
VIDEO: Indian Railways: સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી વાયા હિંમતનગર થઈને ઉદેપુર જતી સેમી હાઈસ્પીડ 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનનું શાનદાર આગમન થતા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં લીલીઝંડી
આ પ્રસંગે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે લોકસભા અને રાજ્યસભાના સાંસદો, સ્થાનિક ધારાસભ્યો તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ રેલવે વિભાગના સિનિયર અધિકારીઓની હાજરીમાં મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને આરામદાયક અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમયની મોટી બચત થશે.
જાણો ટ્રેનનું શિડ્યુલ
વંદે ભારત ટ્રેનની સુવિધા મુસાફરોને અઠવાડિયામાં 6 દિવસ મળશે. રેલવેના જણાવ્યા અનુસાર, અઠવાડિયામાં માત્ર મંગળવારના દિવસે આ ટ્રેન દોડશે નહીં, તે સિવાયના તમામ દિવસોમાં મુસાફરો આ આધુનિક સેવાનો લાભ લઈ શકશે. ઉદેપુર જતા પ્રવાસીઓ અને ધંધાદારીઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.

