સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન: ભારતમાં પણ હજારો યુઝર્સ પરેશાન, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

X Down Today: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) સોમવારે સાંજે અચાનક ડાઉન થઈ ગયું છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં યુઝર્સને પ્લેટફોર્મ એક્સેસ કરવામાં અને ફીડ લોડ કરવામાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સાંજે 7 વાગ્યાથી સમસ્યા શરૂ થઈ
સોમવારે (16 ફેબ્રુઆરી) સાંજે લગભગ 7:00 વાગ્યાથી યુઝર્સે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું કે તેમની ટાઈમલાઈન અપડેટ થઈ રહી નથી. ઈન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' (DownDetector) ના રિપોર્ટ અનુસાર, સાંજે 7:00 વાગ્યા પછી અચાનક જ ફરિયાદોનો ગ્રાફ ઊંચો ગયો હતો. આ સમાચાર લખાય ત્યાં સુધીમાં 34,000 થી વધુ યુઝર્સે પ્લેટફોર્મ પર ટેકનિકલ ખામીની પુષ્ટિ કરી છે.
યુઝર્સ પરેશાન, સત્તાવાર સ્પષ્ટતાની પ્રતીક્ષા
મોટાભાગના યુઝર્સને 'Something went wrong' અને 'Posts aren't loading right now' જેવા મેસેજ જોવા મળી રહ્યા છે. એપ અને ડેસ્કટોપ બંને વર્ઝન પર આ સમસ્યા જોવા મળી રહી છે. જોકે, હજુ સુધી એલોન મસ્ક કે Xની સત્તાવાર ટીમ દ્વારા આ ટેકનિકલ ખામીનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ હવે અન્ય પ્લેટફોર્મ પર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

