વડોદરા: માંજલપુરમાં પતિએ પત્ની પર કર્યું ફાયરીંગ, મહિલાને બચાવવા જતા 2 લોકો ઈજાગ્રસ્ત
વડોદરાના માંજલપુરમાં રહેતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર અને તેમના પત્ની વચ્ચે ચાલતા મિલકતના વિવાદનું વરવું સ્વરૂપ સામે

વડોદરાના માંજલપુરમાં રહેતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર અને તેમના પત્ની વચ્ચે ચાલતા મિલકતના વિવાદનું વરવું સ્વરૂપ સામે આવ્યું હતું. આ વિવાદ વધુ વકર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ પોતાની બાર બોરવાળી રાયફલથી ફાયરિંગ કરતા પત્ની અને તેની સાથે આવેલા સિક્યુરિટી ગાર્ડ તેમજ મદદ કરવા આવેલા યુવકને છરા વાગવાથી ઇજા પહોંચી હતી.
પતિએ પોતાની બાર બોરવાળી રાયફલથી ફાયરિંગ કર્યું
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શ્રીજી ધામ સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષના હરવિન્દર શર્મા એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે. તેઓને પત્ની નિલમબેન સાથે વર્ષોથી મિલકત અંગેનો ઝઘડો ચાલતો હતો. આજે સવારે પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિ અને પૂત્રવધૂએ મળીને નિલમબેન અને કેર ટેકર ભૂમિ પ્રજાપતિને ઘરની બહાર કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે નિલમબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા પછી નિલમબેન તથા કેર ટેકર ભૂમિ પ્રજાપતિ પરત ઘરે આવ્યા હતા. પરંતુપતિએ ઘરની જાળી બંધ કરી દીધી હતી. જેથી તેઓ સિક્યુરિટી ગાર્ડ અને રવિ માળીને લઇને આવ્યા હતા.
બનાવના પગલે ટોળું ભેગા થઇ ગયું હતું
તે દરમિયાન ઉશ્કેરાયેલા પતિ હરવિન્દર શર્માએ પોતાની ૧૨ બોર વાળી રાયફલથી ફાયરિંગ કરતા નિલમબેન, સિક્યુરિટી ગાર્ડ અને રવિ માળીને છરા વાગતા ઇજા પહોંચી હતી. બનાવના પગલે ટોળા ભેગા થઇ ગયા હતા અને માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી તરફ માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.






