સુરતના ઉશ્કેર ગામે દીપડો બન્યો માનવભક્ષી, 7 વર્ષના બાળકને ખેતરમાં ખેંચી જઈ ફાડી ખાધો
સુરત જિલ્લામાં દીપડા મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે માંડવીના ઉશ્કેર ગામે એક દી

સુરત જિલ્લામાં દીપડા મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે માંડવીના ઉશ્કેર ગામે એક દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાધો છે. શેરડી કાપવા મહારાષ્ટ્રથી આવેલા પરિવારનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. તે દરમિયાન દબાતા પગે દીપડાએ આવીને ખેતરમાં ખેંચી જઈને બાળકને ફાડી ખાધું હતું.
ખેતરમાંથી મૃતદેહ મળ્યો
પરિવારને બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ માંડવી પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલા તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસર એચ.જે વાંદા તેમજ તેઓની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે લઈ ગયા હતા.
માનવભક્ષી પાંજરે પૂરાયો
વન વિભાગની ટીમે દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં 10 પાંજરાઓ મારણ સાથે ગોઠવી દીધાં હતાં. તેમજ 7 ટીમો કામે લાગી ગઈ હતી. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકોનો અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલ શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતી. હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ટૂંક સમયમાં મળે તે માટે વન વિભાગની ટીમે કામગીરી પણ હાથ ધરી છે.








