Vadodara: કરજણ નજીક બેકાબૂ ડમ્પર ઘરમાં ઘૂસ્યું, ગાયનું મોત, ઘર અને કારને નુકસાન
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નારેશ્વર-પાલેજ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નારેશ્વર-પાલેજ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલું એક હાઈવા (ડમ્પર) બેકાબૂ બની રોડ સાઈડના એક ઘરમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘરમાં ઘૂસ્યું હાઈવા
નારેશ્વર-પાલેજ રોડ પર રેતી ભરેલું એક હાઈવા ડમ્પર બેકાબૂ બન્યું હતું અને રોડની બાજુમાં આવેલા એક રહેણાંક ઘરમાં ઘૂસી ગયું હતું. બેકાબૂ બનેલા હાઈવાએ ઘર તરફ ઘૂસતા પહેલા રસ્તા પર ઊભેલી એક ગાયને અડફેટમાં લીધી હતી, જેના કારણે ગાયનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. હાઈવા ઘરમાં ઘૂસી જતાં ઘરને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત, નજીકમાં ઊભેલી એક ઇકો કારને પણ ભારે નુકસાન થયું હતું.
સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે ઘટનાસ્થળે હંગામો મચાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા પર બેસીને રોડ બંધ કરાવી દીધો હતો.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આ માર્ગ પર અવારનવાર રેતીના ધમધમતા વાહનોને કારણે અકસ્માતો સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.








