Vadodara: ઘોંઘાટ ફેલાવતા 108 મોડિફાઇડ સાયલન્સરોનો જાહેરમાં કરાયો નાશ
વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવીને લોકોને પરેશાન કરનારા બાઇકચાલકો સામે

વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવીને લોકોને પરેશાન કરનારા બાઇકચાલકો સામે વડોદરા ટ્રાફિક પોલીસે એક મોટી અને સખત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા 108 મોડિફાઇડ સાયલન્સરોનો જાહેરમાં નાશ કર્યો છે.
વડોદરા ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે (તારીખ 16 ઑક્ટોબર) કોર્ટની મંજૂરી મળ્યા બાદ 108 મોડિફાઇડ સાયલન્સરો પર બુલડોઝર ફેરવીને તેનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા પોલીસે છેલ્લા કેટલાક સમયથી મોડિફાઇડ સાયલન્સર લગાવીને અતિશય ઘોંઘાટ કરતા વાહનચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવી હતી.
જપ્ત કરાયેલા સાયલન્સર
આ ઝુંબેશ દરમિયાન મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા 108 જેટલા મોડિફાઇડ સાયલન્સરોને જપ્ત કરવામાં આવ્યા હતા. બુલડોઝર નીચે કચડાયેલા સાયલન્સરોમાં બજારમાં પ્રચલિત 'ઇન્દોરી' અને 'પંજાબી' પ્રકારના મોડિફાઇડ સાયલન્સરોનો સમાવેશ થાય છે.
ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો વિરુદ્ધ ભવિષ્યમાં પણ આવી સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.







