દાહોદ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત, ભાવનગરમાં કારની ટક્કરે વિદ્યાર્થિનીનું મોત
રાજ્યમાં આજે અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં પ્રથમ ઘટનામાં દાહો

રાજ્યમાં આજે અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં પ્રથમ ઘટનામાં દાહોદ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે બીજી ઘટનામાં ભાવનગરમાં કારની ટક્કરે વિદ્યાર્થિનીનું મોત થયું છે. તો સુરતમાં તરસાડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે.
દાહોદ-અમદાવાદ હાઈવે પર બે યુવાનોના ઘટનાસ્થળે મોત
દાહોદ-અમદાવાદ હાઈવે પર લીમખેડા નજીક બેફામ ગેસ ટેન્કર ચાલકની બેદરકારીએ બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે. લીમખેડા નજીક પાણીયા ગામે ગેસ ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સવાર બે યુવાનોને ટક્કર મારી હતી, જેમાં બંને યુવકોના ઘટનાસ્થળે મોત થયા છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં કારની ટક્કરે વિદ્યાર્થિનીનું મોત, 12 દિવસ પહેલાં પિતાનું થયું હતું નિધન
ભાવનગરથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝીલ સંદીપ બારૈયા નામની વિદ્યાર્થિની આજે (સાતમી ઓક્ટેબર) સવારે મોપેડ પર કોલેજે જઈ રહી હતી. આ દરમિયાન એક ઈકો કારે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિદ્યાર્થિનીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, ડોક્ટરોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, 25મી સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીના પિતાનું નિધન થયું હતું. તેના 12 દિવસ બાદ આજે (સાતમી ઓક્ટેબર) પુત્રીનું મૃત્યુ થયું છે.
સુરતની તરસાડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય મોત
સુરત જિલ્લાના મહુવા તાલુકાની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે. ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો અજયનાથ ગાવિત નામનો વિદ્યાર્થી ડાંગના સુબિર તાલુકાના મોખામાળ ગામનો રહેવાસી છે. તે રહસ્યમય રીતે બિલ્ડિંગ પરથી પડી જતા મોત થયું છે. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે બારડોલી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણોસર તેનું બિલ્ડિંગની છતથી પડી જતા મોત થયુ છે તે હજુ રહસ્ય છે. મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે.








