અંજાર: યોગેશ્વર ચોકડી પર સ્કૂટી પર જતી બે વિદ્યાર્થિનીઓને ટ્રેલરે મારી ટક્કર, એકનું મોત
અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સ્કૂટી પર સ્કૂલે જતી બે કિશોરીઓને ટ્રેઈલર ચાલકે હડફે

અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સ્કૂટી પર સ્કૂલે જતી બે કિશોરીઓને ટ્રેઈલર ચાલકે હડફેટે લીધી હતી. જેમાં અંજાર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ASIની દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે તેની સાથે બીજી બાળકીને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. મળતી માહિતી અનુસાર અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સવારનાં સાડા સાતના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
યોગેશ્વર ચોકડી પાસે જીવલેણ અકસ્માત
સ્કુટી પર જતી અંજાર શહેરના ટ્રાફિક ઈન્ચાર્જ વનરાજસિંહ સોલંકીની ૧૬ વર્ષની દીકરી રાજવીબાને પાછળથી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે તેની સાથે જઈ રહેલી હસ્તિ બિપીનભાઈ જોશી નામની કિશોરીને સામાન્ય ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સવારનાં ભાગે અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવની જાણ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
બાળકીનાં મોતનાં બનાવથી લોકોમાં જનાક્રોશ ભભૂકી ઉઠયો
અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવથી લોકોમાં જનાક્રોશ ભભૂકી ઉઠયો હતો.લોકોનું ટોળું રામધૂન બોલાવીને વચ્ચે બેસી ગયું હતું. જોતજોતામાં યોગેશ્વર ચોકડીથી નાગલપર, કળશ સર્કલ વીડી અને નવી કાર્ટ તરફના માર્ગો પર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. ચક્કાજામના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અંજાર મામલતદાર અને અંજાર પોલીસ ઉપરાંત આદિપુર, ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અગાઉ પણ ૧૬ માર્ચની રાત્રે આ જ સ્થળે જીવલેણ દુર્ઘટના સર્જાતાં લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ હતી.
અંજારમાં કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી અંજાર જનરલ હોસ્પિટલ થઇ નાગલપર ચોકડી થઇને મુન્દ્રા જતાં ભારેથી અતિભારે વાહનોને કારણે યોગેશ્વર ચોકડીથી નાગલપર ચોકડી સુધીના રસ્તા પર વારંવાર સર્જાતાં જીવલેણ અકસ્માતોના પગલે અનેક નિર્દોષ લોકોનાં મોત થયા છે. જે સંદર્ભે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ બાબતે રજુઆત કરતા પૂર્વ કલેક્ટર પ્રવિણા ડી.કે.એ ભારે વાહનો પર ૧૫ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ પ્રવેશબંધી ફરમાવી હતી.પરંતુ એ જાહેરનામાંનું તંત્ર દ્વારા ક્યારે પણ અમલ કરાવવામાં આવ્યુ નથી.






