ચીન, બાંગ્લાદેશ, દુબઈથી ચાલતા હવાલા રેકેટમાં વધુ બે ઝડપાયા, પ્રી-એક્ટિવ સીમ કાર્ડ 500 રૂપિયામાં વેચાતા
આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથ

આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 2 આરોપીઓની ભેસ્તાન અને એક આરોપીની મુંબઇથી ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 73 પ્રી-એક્ટિવ સીમકાર્ડ કબજે કર્યા છે. ત્રણેય 500 રૂપિયાના કમિશન લઈ બીજાના નામના પ્રી-એક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા હતા.
આ રીતે પકડાયા આરોપી
હવાલા કૌભાંડમાં સૂત્રધાર મકબૂલ ડોક્ટર અને તેનો પુત્ર બસ્સામ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ દુબઈ મોકલતા હતા. અત્યાર સુધીમાં ટોળકીએ 6 હજારથી વધુ સીમકાર્ડ મોકલી 90 લાખની કમાણી કરી હોવાની વાત છે. એસઓજીના પીઆઈ એ.એસ.સોનારાની સૂચનાથી સ્ટાફે ભેસ્તાન હલીમા મસ્જિદ પાસેથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનાર 24 વર્ષીય અલી બિલાલ ઝવેરી અને 25 વર્ષીય પીર મુહમ્મદ અશરફ મેમણને પકડી પાડ્યા હતા. બંને પાસેથી વધુ 73 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મળ્યા હતા. જેમાં આરોપી પીરમોહમદ રિક્ષા ચાલક છે. પૂછપરછમાં પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મહારાષ્ટ્રમાં સત્યમ પાસેથી લાવતા હતા. આથી એસઓજીના ASI ઈમ્તિયાઝ ફકરૂ મુહમ્મદે મુંબઈમાં નાલાસોપારા ખાતેથી આરોપી સત્યમ કિશનલાલ ગુપ્તાને પકડી પાડ્યો હતો.
આ રીતે સીમ એક્ટિવ કરી લેવાતા
આરોપી ગ્રાહકોને બાયોમેટ્રીક સિસ્ટમમાં ખામીનાબહાના કાઢી બાજુમાં મિત્રના બાયોમેટ્રીક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમકાર્ડ એક્ટિવ કરાવી એક સીમ આપી બીજુ પોતાની પાસે રાખતો હતો. મુંબઈ નાલાસોપારા ખાતે આરોપી સત્યમ ગુપ્તા અને તેનો મિત્ર છત્રી નાખી વોડાફોન અને એરટેલ કંપનીનું સીમકાર્ડનું વેચાણ કરતા હતા. જેમાં આરોપી સત્યમ જે ગ્રાહકો સીમકાર્ડ લેવા આવતા હતા તે ગ્રાહકોને બાયોમેટ્રિક સિસ્ટમમાં ખામી છે એવા બહાના કાઢી બાજુમાં મિત્રની બાયોમેટ્રિક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમ એક્ટિવ કરાવતાે હતો. પછી 2 સીમમાંથી એક ગ્રાહકને આપી દેતો અને બીજુ સત્યમ પોતે રાખતો હતો.








