મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: 3 કરોડથી વધુની ઉચાપત કરનાર બે બેંક અધિકારીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો 

આમ તો લોકો પોતાના નાણાં સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવતા હોય છે અથવા તો લાંબા સમય માટે

અમદાવાદ: 3 કરોડથી વધુની ઉચાપત કરનાર બે બેંક અધિકારીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો 

આમ તો લોકો પોતાના નાણાં સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવતા હોય છે અથવા તો લાંબા સમય માટે નાણાંને રાખવા માટે એફડી કરાવતા હોય છે પરંતુ અમદાવાદમાં બનેલા એક છેતરપિંડીનાં કિસ્સાને કારણે બેંકમાં રહેલી એફડીનાં રૂપિયાની સુરક્ષા સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. બેંકમાં કરેલી એફડીના નાણા બેંક અધિકારીઓ જ ઉચાપત કરી ગયા હોવાની ફરિયાદ નોંધતા પોલીસે બેંકના બે અધિકારીઓની ધરપકડ કરી છે.

પોલીસની તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે સરસપુર નાગરિક કો ઓપરેટિવ બેંકની ગોતા બ્રાન્ચના અધિકારી વિરલ બ્રહ્મભટ્ટ દ્વારા તેના પિતા અને પત્નીના નામની એફડી ગોતા બ્રાન્ચમાં ખોલાવી હતી. જેમાં સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ અન્ય લોકોની એફડીઓ તેમની જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા.

10 જેટલા લોકોની એફડી પરથી રૂપિયા મેળવી છેતરપિંડી આચરી

બેંક દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં મેનેજર અને ઓફિસર બંનેની સંયુક્ત કામગીરી દ્વારા જ લોકોની એફડી પર ઓડીની પ્રક્રિયા થતી હોય છે જેને લઈને ઓફિસર દ્વારા એફડી પર ઓડીની પ્રક્રિયા કર્યા બાદ મેનેજર નમ્રતા પટેલ દ્વારા ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટને બેંક તરફથી આપવામાં આવતા યુઝર આઇડી અને મોબાઇલમાં આવતા ઓટીપી આપ્યા હતા. બંનેએ સાથે મળી એફડીની ઓડી ખાતામાં લિમિટ વધારવા કરવામાં આવતી પ્રક્રિયા કરી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બેંક ઓફિસર અને બેંક મેનેજરની ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ 10 જેટલા લોકોની એફડી પરથી રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 

મોજશોખ કરવા અને જુગાર રમવા પૈસાની ઉચાપત કરી

સમગ્ર છેતરપિંડીની ઘટનાના માસ્ટર માઈન્ડ વિરલ બ્રહ્મભટ્ટની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા તેને મોજશોખ કરવા તેમજ જુગાર રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે બેંકના મેનેજર નમ્રતા પટેલને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકના ઓટીપી તેમજ યુઝર આઇડી મેળવી લીધા હતા. નમ્રતા પટેલે પણ રૂપિયાની લાલચે વિરલ સાથે મળીને વર્ષ 2022 થી 24 દરમ્યાન અલગ અલગ ખાતાઓ માંથી ત્રણ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી છે. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ બેંકના અધિકારી કે કર્મચારીઓ સામેલ છે કે કેમ અથવાતો વધુ અન્ય કોઈ ખાતાધારક ભોગ બન્યા છે કે કેમ.

આ સમાચાર શેર કરો