તો શું ગુજરાતની આ સરકારી યુનિવર્સિટીમાં વધુ એક વાર બની જશે લાયકાત વગરના કુલપતિ?
થોડાં સમય પહેલા ગુજરાતની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિપદે લાયકાત વગરના પ

થોડાં સમય પહેલા ગુજરાતની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિપદે લાયકાત વગરના પ્રોફેસર્સની નિમણૂંક થયાનો મુદ્દો ગાજ્યો હતો, જેમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સહિત સાત યુનિવર્સિટીના કુલપતિના નામો પણ સામેલ હતા.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ત્રીજા કુલપતિ લાયકાત વગરના બની જશે?
જેમાં ગેરલાયકાત ધરાવતા કુલપતિની નિમણૂંક કરવામાં આવી હતી એવી રાજ્ય સરકારની આ 7 સરકારી યુનિવર્સિટીઓમાં ગાંધીનગરમાં આવેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ સમી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પણ નામ સામેલ હતું. આ યુનિવર્સિટી પ્રથમ કુલપતિ હર્ષદ શાહ અને બીજા કુલપતિ હર્ષદ પટેલ પણ UGC પ્રમાણે લાયકાત ધરાવતા ન હતા. હવે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે સર્ચ કમિટીએ સરકારને જે નામ સૂચવ્યું છે એ ટી. એસ. જોશી પણ કુલપતિપદ માટે લાયક ન હોવાની ચર્ચા થઈ રહી છે.
ટી.એસ.જોશી સામે ફરિયાદો, ચેર માટે લાયક ન હોવા છતાં ચેર પ્રોફેસર બનાવાયા
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાયમી કુલપતિની સર્ચ કમિટીમાં આ સભ્યો સામેલ હતા :
- રિટાયર્ડ અધિકારી IAS એચ. કે દાસ
- IITEના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા
- MSU વડોદરાના પૂર્વ કુલપતિ પરિમલ વ્યાસ
- UGC પ્રતિનિધિ - દેવી અહલ્યાબાઈ યુનિ. ઇન્દોરના કુલપતિ રેણુ જૈન
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ સર્ચ કમિટીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ગીજુભાઈ બધેકા ચેરના ચેર પ્રોફેસર ટી. એસ. જોશીનું નામ કુલપતિ માટે શિક્ષણ વિભાગને સૂચવ્યું છે, જોકે ટી. એસ. જોશી પણ કુલપતિ પદ માટે યોગ્ય લાયકાત ન ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે, જેની વિગતો આ મુજબ છે :
1)યુનિવર્સિટી સિસ્ટમમાં પ્રોફેસર તરીકેનો યુ.જી.સી.ના નિયમ અનુસાર 1,44,200-2,18,200ના પગાર ધોરણમાં (લેવલ-14) ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ અથવા પ્રતિષ્ઠિત સંશોધન અને/અથવા શૈક્ષણિક વહીવટી સંસ્થામાં સમકક્ષ 1,44,200-2,18,200ના પગાર ધોરણમાં (લેવલ-14) પદ પર 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ડો. ટી. એસ. જોશી પાસે 1,44,200-2,18,200ના સ્કેલનો અનુભવ, સળંગ 10 વર્ષનો અનુભવ નથી.
2) તેઓ ડાએટમાં આચાર્ય હતા ત્યારનું પગાર ધોરણ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર (15,600) (લેવલ-10) સમકક્ષ ન હતું. આસિસ્ટન્ટ પ્રોફેસરના સ્કેલમાં 12 વર્ષ સુધી કામ કરો ત્યારે અસોસીએટ પ્રોફેસર તરીકે માન્યતા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રણ વર્ષ પછી પ્રોફેસર બનવા માટે સ્કેલ 1,44,200ના પગાર ધોરણમાં આવો ત્યારે પ્રોફેસર બનવાની પાત્રતા પ્રાપ્ત થાય છે.
3)તેઓ GCERTના નિયામક રહ્યા ત્યારે તેમનું લેવલ (એકેડેમીક લેવલ 14) સ્કેલ 1,44,200-2,18,200ના પગાર ધોરણમાં ન હતું. માટે તેઓ UGCના નિયમ અનુસાર વાઈસ ચાન્સેલર બનવા માટેની પ્રાથમિક શરત ધરાવતા નથી.
ગીજુભાઈ બધેકા ચેરના ચેર પ્રોફેસર ટી. એસ. જોશી ચેર પ્રોફેસર માટે લાયક ન હોવા છતાં તેમને એ પદ આપવામાં આવ્યું છે. ટી. એસ. જોશી ચેર પ્રોફેસર તરીકે મહિને એક લાખ રૂપિયાનો પગાર લે છે, આ ઉપરાંત GCERTમાંથી નિવૃત્ત થયાનું પેંશન પણ લઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં પેંશન જેટલી રકમ બાદ કરીને તેમને પગાર આપવો જોઈએ, પણ આવું થઈ રહ્યું નથી. પે માઈનસ પેંશનના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સરકારી નાણાનો વ્યય થઈ રહ્યો છે.
આ ઉપરાંત ટી.એસ.જોશી જે GCERTના પૂર્વ ડાયરેક્ટર હતા, તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરો અને શિક્ષણ સચિવને પણ ફરિયાદો થઈ છે.
ટી. એસ. જોશી ચેર પ્રોફેસર માટે લાયક નથી છતાં તેમને ચેર પ્રોફેસર બનાવાયા, પેંશન અને પગાર બંને લઇ રહ્યાં હોવાના આરોપો છે, ACBમાં અને શિક્ષણ સચિવને ન ફરિયાદો થઈ છે. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે કુલપતિ માટે લાયકાત ધરાવતા ન હોવા છતાં સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સર્ચ કમિટીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ માટે તેમનું નામ સૂચવ્યું છે.
જો રાજ્યનું શિક્ષણ વિભાગ ટી.એસ.જોશીના નામ પર મહોર મારે તો રાજ્યમાં વધુ એક વાર યોગ્ય કુલપતિ બદલે લાયકાત વગરના કુલપતિની નિમણૂંક થઈ જશે.








