મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અકસ્માતની 5 ઘટનામાં કુલ 6ના મોત, 5 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ગુજરાતભરમાં અલગ અલગ સ્થાનો પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ક્યાંક નબીરાએ પુરઝડપે કાર ચલાવતા તેની મિત્રએ

ગુજરાતમાં અકસ્માતની 5 ઘટનામાં કુલ 6ના મોત, 5 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ગુજરાતભરમાં અલગ અલગ સ્થાનો પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ક્યાંક નબીરાએ પુરઝડપે કાર ચલાવતા તેની મિત્રએ જીવ ગુમાવ્યો તો ક્યાંક વહેલી સવારે હાઈવે પર ગાય આવી જતાં અકસ્માતે 4 માણસોનો ભોગ લીધો. ગુજરાતમાં અકસ્માતની પાંચ ઘટનામાં કુલ 6નાં કરુણ મોત નિપજ્યાં હતા જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર અકસ્માતની વણઝાર યથાવત 

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે. અવારનવાર ઈડર ખેડબ્રહ્મા હાઇવે પરથી અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે એવામાં ફરીથી ઈડર વડાલી હાઈવે રોડ પર જેતપુર પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં રાત્રિના સમયે અકસ્માત નડતા બાઈક પર સવાર બેમાંથી એકનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાત્રિના સમયે ખાનગી વાહન તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતા વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અકસ્માતમાં મોતને પગલે મૃતકના પરિવારમાં આક્રંદ ફેલાયો છે.

આ પણ વાંચો : અમદાવાદ: જ્વેલર્સમાં બંદુકની અણીએ લાખોના ઘરેણાંની લૂંટ મચાવનાર 4 આરોપીઓની ધરપકડ

વડોદરામાં  હાઈવે પર શાકભાજી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો

વડોદરામાં હાઈવે પર માલસામાન ભરેલ ટ્રક પલટી ખાતા હાઈવે રોડ પર ભારે અરાજકતા સર્જાઈ હતી. વડોદરામાં જાંબુઆ પાસે હાઈવે પર શાકભાજી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી મારતા હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે વાહનચાલકો હાઈવે પર અટવાઈ ગયા હતા. ટ્રક પલટી મારતા શાકભાજીના પોટલા રોડ પર પડી ગયા હતા, સદનસીબે જાનહાનિ થતા ટળી છે. પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી આઇસર ટ્રકને હટાવી ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી.

મહીસાગરમાં હાઇવે પર વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત 

મહીસાગરમાં બાલાસિનોર અમદાવાદ હાઇવે પર વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. બાલાસિનોરના ઓથવાડ ગામના 4 લોકોનું અકસ્માતમાં મોત થયું છે. બાલાસિનોર અમદાવાદ હાઇવે પર લાડવેલ ચોકડી પાસે કારની વચ્ચે ગાય આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર મામલે કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં નબીરાએ સર્જયો અકસ્માત, એક વિદ્યાર્થિનીનું મોત

સુરત ડાયમંડ બુર્સ પાસે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં 4 વિદ્યાર્થીઓ સવાર હતા, કારચાલક યુવક દ્વારા કાર બેકાબુ બની જતા કાર પલટી મારી ગઈ હતી જેમાં 4માંથી એક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે

સુરત શહેરમાં 4 વિદ્યાર્થીઓ ક્રેટા ગાડી લઈને નિકળ્યા હતા, એવામાં કાર ચાલક દ્વારા કાર બેકાબુ બની જતા કાર પલટી મારી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જયો હતો. જેમાં 17 વર્ષીય દિશા જૈન નામક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ઉધનાની સમિતિ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા હતા.

અકસ્માતને મામલે કાર ચાલક રાહુલ ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. અલથાણ પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળ પહોંચી હતી તેની સાથે FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા RTOને રિપોર્ટ કરી કાર ચાલકનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : VIDEO: તસ્કરોની ટોળકીનો આતંક: જુનાગઢમાં પાંચ કારખાનાના તાળા તૂટ્યાં, પંચમહાલમાં 2 મકાનમાંથી લાખોની ચોરી

વિદ્યાર્થીઓ કારમાં રેસ લગાવતા હોવાની વાત પણ લોકોમાં ચર્ચાઈ રહી છે પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરી નથી. અન્ય ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા હોવાથી તેઓને હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ રજા આપવામાં આવી છે. અકસ્માતને પગલે પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે.

તાપીમાં કાર વૃદ્ધ બાઈક ચાલકને અડફેટે લઈ ફરાર

તાપીના વ્યારા નગરમાં ફરી અકસ્માત સર્જાયો હતો જેમાં વ્યારાના કાનપુરા વિસ્તારમાં બાઈક પર સવાર વૃદ્ધને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. વ્યારામાં નવ નિર્મિત રસ્તાઓ પર સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વ્યારા નગર પાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા જુના સ્પીડ બ્રેકરો દૂર કરી સીધો રસ્તો બનાવી દેતા વાહન ચાલકો બેફામ બનતા અકસ્માતોની સંખ્યા વધી છે.

આ સમાચાર શેર કરો