ગઢડા: પોલીસ વાનને ટક્કર મારી ભાગવા જતા ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
ગઢડા શહેરમાં બેફામ ઝડપે દોડી રહેલી કારે પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું હતું.

ગઢડા શહેરમાં બેફામ ઝડપે દોડી રહેલી કારે પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું હતું. આથી કારને અટકાવવા પોલીસે નાકાબંધી કરી હતી અને કારની પીછો કરતા રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાનમાં, પોલીસે પીછો કરી કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે નિંગાળા બાજુ શંકાસ્પદ કારને રોકવા કરી નાકાબંધી
પોલીસને બાતમી મળી હતી કે ઉગામેડી તરફથી મુળધરાઇ ગામ બાજુથી એક સફેદ કલરની કાર શંકાસ્પદ હાલતમાં ગઢડા તરફ આવે છે. પોલીસે નિંગાળા બાજુ નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમ્યાન ગઢડા-ઉગામેડી ગામ વચ્ચે રસ્તા પર કાર સામેથી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી.
પોલીસે આરોપીઓને દબોચવા ફિલ્મી ઢબે કર્યો હતો પીછો
શંકાસ્પદ કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. કાર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી, ત્યારે પોલીસે કારને ઉભી રાખવાનો ફરીથી પ્રયત્ન કર્યો હતો, જોકે કાર ચાલકે ઈરાદાપુર્વક પોલીસની કારને ટક્કર મારી હતી. કારમાં સવાર ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા હતા.
આ પણ વાંચો:VIDEO: કેશોદ હાઈવે પર એમ્બ્યુલન્સ અને બસ વચ્ચે અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઝડપાયેલા શખ્સો
સુજીત હર્ષદભાઇ પટેલ (રહે. ગોઈમાં ગામ, તા.પારડી જી.વલસાડ)
ધ્રુવ સુરેશભાઇ પટેલ (રહે.ગોઈમા ગામ તા.પારડી જી. વલસાડ),
કૃણાલ કનુભાઇ પટેલ (રહે. ઓઝર ગામ તા.જી.વલસાડ)
ગીતા જયંતીની રેલી સમયસર પસાર થઈ જતા મોટી દુર્ઘટના ટળી
કાર સવાર શખ્સે બેફામ રીતે કાર ચલાવીને નાસી છૂટવાનો પ્રયાસ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ ગીતા જયંતીની રેલી માટે મોટી સંખ્યામાં પસાર થયા હતા. સદનસીબે વિદ્યાર્થીઓની રેલી થોડાક સમય પહેલા સોસાયટી તરફ વળી જતા થોડી મિનિટોનો તફાવત રહેતા સંભવિત મોટી દૂર્ઘટના ટળી હતી.








