Ahmedabad news: સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ, પારિવારિક ઝઘડામાં ખેલાયો હતો ખૂની ખેલ
અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમાઈએ પારિવારિક ઝઘડામાં સસરાની હત્યા કરી નાખતા

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમાઈએ પારિવારિક ઝઘડામાં સસરાની હત્યા કરી નાખતા ચકચાર મચી હતી, પોલીસ તાત્કાલિક ગુનો દાખલ કરી મુખ્ય સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સસરાએ પત્નીને મોકલવા ઇનકાર કરતા પતિ ઉશ્કેરાયો
નારોલ વિસ્તારમાં બાગેકૌશર પાસે રહેતા વૃદ્ધ અઝીજખાનની તેમના જ જમાઈએ ચાકૂના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મુખ્ય આરોપી ઈબ્રાહીમ મન્સૂરી પોતાની પત્નીને લેવા સાસરીયા ઘરે ગયો હતો, પરંતુ ઘરમાં પરિસ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે સસરાએ પત્નીને હાલ મોકલવા ઈનકાર કર્યો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા ઈબ્રાહીમ મન્સૂરી ત્યાંથી નીકળી ગયો હતો. અડધા કલાક બાદ આરોપી પોતાની માતા નફીસા મન્સૂરી અને ભાઈ મુસ્તુફા મન્સૂરી સાથે ફરી સાસરી પહોંચ્યો અને સસરા સાથે તકરાર શરૂ કરી દીધી.
છાતીના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા
આ દરમિયાન આરોપીએ સસરાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, ત્યારબાદ ભાઈ અને માતાએ વૃદ્ધના હાથ પકડી રાખ્યા અને ઈબ્રાહીમે ચાકૂ વડે છાતીના ભાગે અનેક ઘા મારી હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
નારોલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારિક ઝઘડાએ હત્યાનું ભયાનક રૂપ ધારણ કરતા એક નિર્દોષ વૃદ્ધનો જીવ ગયો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાના કટઘરામાં ઊભા કર્યા છે.






