મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : સાબરમતીમાં મંદિરના ઓટલે સુઈ રહેલા યુવકની ઘાતકી હત્યા, ત્રણ આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને મંદિરના ઓટલે

AHMEDABAD : સાબરમતીમાં મંદિરના ઓટલે સુઈ રહેલા યુવકની ઘાતકી હત્યા, ત્રણ આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને મંદિરના ઓટલે યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કોણ છે આરોપીઓ અને શા માટે યુવકને મોતને ઘાટ ઉતાર્યો જોઈએ આ અહેવાલમાં.

સાબરમતી પોલીસે અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપુત છે આ ત્રણેય  આરોપીઓની ધરપકડ કરી છે. આ  ત્રણેય  ઓગણજ, સાબરમતી અને ચાંદલોડિયા અને  વિસ્તારમાં રહે છે.

6 જુલાઈએ વહેલી સવારે બની ઘટના 

6 જુલાઈ 2024 ના રોજ આ ત્રણેય આરોપીઓએ અન્ય એક આરોપી સાથે ભેગા મળીને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ન્યુ રાણીપમાં સરસ્વતીનગર વિભાગ-૨ પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર અમરજીત ચૌહાણ નામના 23 વર્ષીય યુવકની હત્યા નીપજાવી હતી. જે મામલે રમાકાંત રાજપૂત નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી.

5 જુલાઈ 2024 ના રાત્રિના સમયે રમાકાંતને ગરમી લાગતા તે રાતના 11:00 વાગે ઘરની બહાર મંદિરના ઓટલા ઉપર સુવા માટે ગયો હતો, જ્યાં મોડી રાત્રે તેની બાજુમાં રહેતો અમરજીત ચૌહાણ પણ તેજ ઓટલા ઉપર સુવા આવ્યો હતો. 

6 જુલાઈના સવારના 4:30 વાગે આસપાસ બૂમાબૂમ થતા તેઓ જાગી ગયા અને જોતા અમરજીત ચૌહાણને ચાર જેટલા ઈસમો તીક્ષણ હથિયાર તેમજ લાકડીઓથી માર મારતા હતા,  જેમાં અજય ઠાકોર, રાહુલ ઠાકોર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહ્યા હતા અને અને અન્ય 2 યુવકો લાકડીથી આડેધડ મારતા હતા. જે બાદ ચારેય શખ્સો ફરાર થઈ જતા ફરિયાદી અમરજીત ચૌહાણને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. 

હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન અમરજીતનું  મોત થયું 

અમરજીત ચૌહાણને હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં તેણે રમાકાંતને જણાવ્યું હતું કે તે અગાઉ ચાણક્યપુરી ખાતે રહેતો હતો ત્યારે અજય ઠાકોર અને રાહુલ ખિસકોલી સાથે મોટરસાયકલની ચાવી માંગવા બાબતે ઝઘડો થયો હતો, ત્યારથી અવારનવાર તેઓ ધમકીઓ આપતા હતા અને તેઓના ડરના કારણે તેણે ત્યાંથી મકાન બદલી સાબરમતી ખાતે રહેવા આવ્યો હતો. ચાર દિવસ પહેલા અજય ઠાકોર અને રાહુલ તેમજ પપ્પુ ઠાકોર અને કાર્તિક દ્વારા સરસ્વતીનગર ખાતે અમરજીતને મળીને તારા દાણા પાણી ભરાઈ ગયા છે, ગમે ત્યારે તને પતાવી દઈશું તે પ્રકારની ધમકીઓ આપી હતી. જે નિવેદન આપ્યા બાદ  અમરજીતને લઈને ફરિયાદી હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થતાં આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.

પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

સાબરમતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં અજય ઠાકોર સામે અગાઉ વાડજ, નારણપુરા અને સોલામાં પાંચ ગુના નોંધાયા છે, જ્યારે રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ સામે સોલા સાબરમતી વાડજ સહિત 9 ગુના નોંધાયા છે. કાર્તિક રાજપૂત સામે સાબરમતી, નારણપુરા, સોલા સહિત ચાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ પાસેથી બે ગાડીઓ કબજે કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો