ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ ચર્ચામાં, OBC ચહેરા પર પસંદગી ઢોળાય તેવી શક્યતા
ગુજરાતને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પ

ગુજરાતને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ભાજપ હાઇકમાન્ડ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખપદે કોની વરણી કરવી તે મુદ્દો હાથ પર લેશે.ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હોઇ શકે છે.
ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં, બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા છે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ
ભુતકાળમાં એવુ બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રો અનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઇ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં
અત્યારે મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે. આ જોતાં ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે.
દેવુસિંહ ચૌહાણનું મૂળ ગૌત્ર કોંગ્રેસી હોવાથી તે સાઇડલાઇન થઇ શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં જોઇએ તો રજની પટેલ, શંકર ચૌધરી, જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં છે. અમદાવાદ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે 2-2-1 ફોર્મ્યુલા નક્કી, ત્રણેય નેતા દિલ્હીમાં PM મોદી-અમિત શાહને મળશે
પ્રદીપસિંહ વાઘેલાની સંગઠનમાં થઇ શકે છે વાપસી
પ્રદીપસિંહ વાઘેલાની સંગઠનમાં વાપસી થઇ શકે છે. તાજેતરમાં ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ સમ્મેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ હાજરી આપી હતી તેમાં પ્રથમ લાઇનમાં પ્રદીપસિંહ વાઘેલા બેઠેલા જોવા મળ્યા હતા જેમાંથી અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. એક અઠવાડિયા અગાઉ સીઆર પાટિલ સાથે પ્રદીપસિંહ વાઘેલાએ દિલ્હીમાં બેઠક કરી હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.








