'તેઓ કોઈ પશુ નથી કે તેમને ગૌશાળામાં મૂકી આવશો', નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટ SMC પર લાલઘૂમ

સુરતના નાસિરનગરમાં ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્ટમાં હાજર રહ્યા હતા. અસરગ્રસ્તોને વૈકલ્પિક મકાન આપવાના મુદ્દે મનપાના બદલાયેલા વલણ અંગે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.
અસરગ્રસ્તોને મકાન આપવાનું સ્ટેન્ડ કેમ ચેન્જ થયું?
હાઈકોર્ટે કમિશનરને પૂછ્યું હતું કે અસરગ્રસ્તોને મકાન આપવાનું સ્ટેન્ડ કેમ ચેન્જ થયું? અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક મકાન આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો હવે મનપાનું સ્ટેન્ડ કેમ બદલાયું? એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને આશ્વાસન અપાયા બાદ મનપાના બદલાયેલા વલણ અંગે પણ કોર્ટે સ્પષ્ટતા માગી હતી.
જવાબમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેન્દ્ર સરકારની આવાસ યોજના હેઠળ મકાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક નિશ્ચિત મર્યાદાથી વધુના આર્થિક મુદ્દાઓ અંગે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે, હાલના અરજદારો માટે મનપા પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોઈ પોલિસી ન હોવાનું કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોર્ટને જણાવ્યું હતું.
મનપાના બદલાયેલા વલણ અંગે સ્પષ્ટતા કરવા આદેશ
આ મામલે હાઈકોર્ટે સખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે અસરગ્રસ્તો ક્યાં જઈને રહેશે? તેઓ કોઈ પશુ નથી કે તેમને લઈ જઈને ગૌશાળામાં મૂકી આવશો. કોર્ટએ એ પણ સવાલ કર્યો હતો કે શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સભ્યો અથવા કમિશનર ગેરકાયદે ડિમોલેશનની જવાબદારી સ્વીકારી રહ્યા છે? હાઈકોર્ટે અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી અને મનપાના બદલાયેલા વલણ અંગે સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે. આગામી સુનાવણીમાં સુરત મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હાજર રહેવા પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 27 નવેમ્બરે હાથ ધરાશે.











