jamnagar news: શહેર ભાજપ સંગઠનનું માળખું આખરે રચાઈ ગયું, નવા ચહેરાઓ ભાજપ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા
જામનગર શહેર ભાજપ સંગઠનનું માળખું આખરે રચાઈ ગયું છે. એક વર્ષથી નવા પ્રમુખની જાહેરાત થયા બાદ સે

જામનગર શહેર ભાજપ સંગઠનનું માળખું આખરે રચાઈ ગયું છે. એક વર્ષથી નવા પ્રમુખની જાહેરાત થયા બાદ સેનાપતિને સેના હવે સોંપવામાં આવી છે. જામનગર શહેર સંગઠનને લઈને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા ત્યારે તમામ અટકળો પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. ત્રણ મહામંત્રીઓમાંથી માત્ર એકને જ રીપીટ કરવામાં આવ્યા છે તો બીજા બે નવા ચહેરાઓ ભાજપ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા છે.
ખૂબ લાંબા સમયથી જબરજસ્ત લોબિંગ ચાલતું હતું
રાજકારણમાં કોઈપણ વ્યક્તિ ગમે તે અંદાજા લગાવે પરંતુ આખરે ધાર્યું તો ધણીનું જ થાય તે વાત સાચી ઠરી છે. શહેર ભાજપના માળખાને લઈને આ વખતે ઘણા લાંબા સમયથી અનેક ચર્ચાઓ ચાલતી હતી. પોતાના માનિતા નેતાઓ પાસે ખૂબ લાંબા સમયથી જબરજસ્ત લોબિંગ ચાલતું હતું ત્યારે એવી પરિસ્થિતિમાં કોણ સુકાની બનશે તેના પર સૌની નજર હતી. હાઈ કમાન્ડમાં ધાર્યું તો ધણીનો થાય પણ કોણ આખરે કિંગ મેકર બને છે તેને લઈને અનેક અફવાઓ પણ વહેતી થઈ હતી. અને આખરે સંગઠનનું માળખું રચાયું જેને લઇ અને લોકોને ખબર પડી ગઈ છે કે કોણ રીયલ કિંગ મેકર છે.
વિવિધ પ્રકારના જ્ઞાતિ સમીકરણો પણ ચર્ચાયા
ભાજપ સંગઠનમાં અનેક નામોની ચર્ચાઓ થતી હતી. વિવિધ પ્રકારના જ્ઞાતિ સમીકરણો પણ ચર્ચાયા હતા પરંતુ ભાજપ આખરે કંઈક નવું સરપ્રાઈઝ લઈને જ આવે છે અને એવું જ થયું જેમાં જ્ઞાતિગત સમીકરણોની ચર્ચા કરીએ તો ગત ટર્મમાં ત્રણ મહામંત્રીઓ આહિર , બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજમાંથી હતા. પરંતુ આ વખતે ક્ષત્રિય બ્રાહ્મણ અને પાટીદાર યુવાનનો ટીમમાં ઉમેરાતા મુખ્યપદ માંથી આહિર સમાજની બાદબાકી થઈ છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ
સામાન્ય રીતે સંગઠનનું માળખું બનાવવામાં ઘણા લાંબા સમયથી વિલંબ ચાલતો હતો પરંતુ આખરે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવનારા દિવસોમાં છે એટલે સંગઠન મજબૂત બનાવવું એ પાર્ટી માટે ખૂબ જ અનિવાર્ય હતું. કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામે તો જરાય પણ નવાઈ નહીં. એક જૂના અને પીઢ મહામંત્રીને રીપીટ કરી અને પાર્ટી એ અનુભવનો લાભ લેવાનું વિચાર્યું છે તો બીજી તરફ બે યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
મહાનગર પાલિકાની ચૂંટણી આવનારા નજીકના સમયમાં યોજાનાર
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી આવનારા નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે સંગઠનનું આ નવું માળખું ભાજપના કોઈ નવા રેકોર્ડ બનાવે છે કે પછી આ ત્રીપાંખીયા જંગમાં કઈ રીતે ટકી રહે છે તે જોવું રહ્યું.કારણકે નવી ટીમના આવવાથી આ વખતે મનપાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં શું ફેરફારો જોવા મળશે તે પણ ખૂબ જ મહત્વનું છે. મનપાની ચૂંટણીમાં કોને રીપીટ કરવામાં આવશે અને કોનું પત્તું કપાશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.








