માંગરોળ નગરપાલિકામાં પ્રમુખપદ માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, માયાવતીની BSP કિંગ મેકરની ભૂમિકામાં
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ચૂંટણી પરિણામ બાદ હવે પ્રમુખની વરણી માટે ખેં

જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ચૂંટણી પરિણામ બાદ હવે પ્રમુખની વરણી માટે ખેંચતાણ શરૂ થઇ છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ પાલિકામાં સત્તા મેળવવાના દાવા કરી રહ્યાં છે. માંગરોળ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત પ્રમુખ હોવાથી ખેંચતાણ વધી છે. 36 સભ્યની નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના 15-15 સભ્ય જીત્યા હતા જ્યારે BSPના 4 સભ્ય જીત્યા હતા. BSP માંગરોળ નગરપાલિકામાં કિંગ મેકરની ભૂમિકામાં છે.
માંગરોળ નગરપાલિકામાં પ્રમુખપદ મેળવવા ખેંચતાણ
જૂનાગઢ જિલ્લાની માંગરોળમાં 36 સભ્યોની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 15-15, આમ આદમી પાર્ટીના એક અને અપક્ષના એક સભ્યનો વિજય થયો હતો જ્યારે વોર્ડ નંબર-1માં BSPની આખી પેનલ ચૂંટાઇ આવતા BSPની મહિલા ઉમેદવારોનું મહત્ત્વ વધી ગયું છે. BSPના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે બીજી તરફ કોંગ્રેસ પણ BSPને મનાવવાના પ્રયાસો કરી રહી છે.BSPની મહિલા પ્રમુખ બને તો માંગરોળ પાલિકામાં ઇતિહાસ રચાઇ શકે છે.
કોંગ્રેસના BSPને મનાવવાના પ્રયાસ
કોંગ્રેસ પણ પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ BSPને આપવાની ઓફર કરી પાલિકા પર કબ્જો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે માંગરોળ પાલિકા છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે ત્યારે ગત પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના એક જુથે ભાજપ સાથે ગઠબંધન કરી સત્તા ચલાવી હતી. બીજી તરફ ભાજપ પણ BSP સાથે ગઠબંધન કરી પ્રમુખપદ મેળવવાના કાવાદાંવામાં લાગેલું છે. હવે જોવાનું રહ્યું કે BSP કઇ પાર્ટીને સમર્થન આપે છે.








