Surat news: મહિલા RFO નાં પતિએ કોર્ટમાં સરેન્ડરની અરજી કરી, પોલીસને જાણ થતાં પરિસરમાંથી જ કરાઇ ધરપકડ
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના ગત 6 નવેમ્બરના રોજ સામે આવી હતી.

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના ગત 6 નવેમ્બરના રોજ સામે આવી હતી. આ કેસમાં પોલીસે RFOના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી. ગ્રામ્ય પોલીસે કોર્ટ પરિસરમાંથી જ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે.
સુરતમાં ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગનો કેસ
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોનલ સોલંકી ઘટનાના દિવસે અડાજણ જવા નીકળ્યા હતા. તેવામાં તેમની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં જોવા મળી હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા RFOના પતિની ધરપકડ
સમગ્ર કેસમાં સોનલ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સિટી સ્કેન કરતાં માથામાં ગોળી વાગી છે. સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ તો સોનલ સોલંકીના પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






