સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને હાઇકોર્ટમાં પડકારાઇ, 9 મસ્જિદ-45 પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા
સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. કોઇ પણ નોટિસ વગર કરવામા

સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. કોઇ પણ નોટિસ વગર કરવામાં આવી રહેલા ડિમોલિશન સામે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક સુનાવણીની માંગ સાથે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. અરજદારે અરજી કરતા કહ્યું કે, જો આજે સુનાવણી નહીં થાય તો સંપૂર્ણપણે દરગાહને તોડી નાખવામાં આવશે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં બપોરે 2.30 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે.
સોમનાથમાં દબાણ હટાવવામાં આવ્યું
પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડી 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણ હટાવ ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઇ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે ચાર કે તેથી વધુ વ્યક્તિના ભેગા થવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.
નોટિસ બાદ દબાણો ન હટાવાતા કરાઇ કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જગ્યા ઉપર ઉભા કરાયેલા ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસો અપાઇ હતી તેનો સમય પણ પૂરો થયા બાદ પણ વધુ સમય અપાયો હતો. છતાં પણ દબાણો દૂર કરાયા નહતા. તેથી તંત્ર દ્વારા આખરે દબાણો હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.








