રાજકોટ: લગ્નની લાલચ આપી કેટરર્સ સંચાલકે ત્રણ વર્ષ સુધી મહિલાનું શોષણ કર્યું, અલગ અલગ હોટલમાં આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં કેટરર્સ સંચાલકે મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચ

રાજકોટમાં કેટરર્સ સંચાલકે મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.મળતા અહેવાલ પ્રમાણે મૂળ દિલ્હીની અને રાજકોટમાં રહી કેટરર્સમાં કામ કરતી ૩૧ વર્ષની મહિલાને કેટરર્સના સંચાલક અમિત ભગવાનજી ભાલોડિયા (ઉ.વ.૪૬, રહે. નીલ સિટી ક્લબ, સ્કાય કોન્ડો મિલેનિયમ)એ લગ્નની લાલચ આપી જુદી-જુદી હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ આગળ ધપાવી છે.
વર્ષ 2021માં કેટરર્સ સંંચાલક સાથે સંપર્ક થયો
ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૧ની સાલમાં તેનો રાજકોટમાં કેટરર્સનું કામ રાખતા રાજેશભાઈ વિઠ્ઠલાણી સાથે સંપર્ક થયો હતો. તેને કેટરર્સમાં મેનેજમેન્ટનું કામ કરી શકે તેવી યુવતીની જરૂર હતી. જેથી રાજકોટ આવી હતી અને જેએમસી હોટલમાં રોકાઇ હતી. તે વખતે રાજેશે તેને અભી-પ્રિમિયમ નામના કેટરર્સમાં કામે રખાવી હતી. જ્યાં તેણે એકાદ વર્ષ કામ કર્યું હતું. બાદમાં અલગ-અલગ કેટરર્સમાં કામ કરતી હતી. તે વખતે અમીત કેટરર્સનું કામ પણ આવ્યું હતું.
રસ્તામાં અમિતે તેનો હાથ પકડી લીધો
જેનો માલિક અમિત એક વાર તેની હોટલે આવ્યો હતો. જ્યાં તેની સાથે મુલાકાત થઇ હતી. ત્યાર પછી તેને અવારનવાર કામ પર બોલાવતો હતો. એક દિવસ મોરબીમાં કેટરર્સનું કામ પુરું કરી તે અમિતની કારમાં પરત આવતી હતી ત્યારે રસ્તામાં અમિતે તેનો હાથ પકડી લીધો હતો. જો કે તત્કાળ તેણે હાથ છોડાવી લીધો હતો.
હું દુનિયામાં સૌથી વધુ તને પ્રેમ કરું છું કહી પ્રેમજાળમાં ફસાવી
એક દિવસ અમિતે તેને કહ્યું કે તું મને બહુ ગમે છે, હું દુનિયામાં સૌથી વધુ તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે, મારી પત્ની સાથે ઝગડો અને છૂટાછેડાની વાત ચાલે છે, મારી પત્ની છૂટાછેડા માટે પાંચ કરોડ રૂપિયા માગે છે, તેની સાથે છૂટાછેડા થઇ જાય પછી હું તારી સાથે લગ્ન કરી લઇશ તેવી વાતો કરી તેને વિશ્વાસમાં લીધી હતી. તે વખતથી તેને અને અમિતને એકબીજા સાથે મનમેળ થઇ જતાં એકબીજા સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
વિવિધ હોટલોમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
તેના ત્રણ-ચાર માસ બાદ એક દિવસ અમિતે તેને કોલ કરી લીમડા ચોકમાં આવેલી કે રોઝ હોટલે બોલાવ્યો હતો. જ્યાં રૂમમાં લઇ જઇ તેને કહ્યું કે મારી પત્ની સાથે છૂટાછેડા થઇ જશે એટલે હું તરત તારી સાથે લગ્ન કરીશ. આ રીતે તેને લાલચ આપી સૌ પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારપછી હોટલ સિટી ઇન, આરએમસી ચોકમાં આવેલી જેએમસી હોટલ, મોરબી રોડ પર આવેલ ખજુરાહો હોટલમાં અલગ-અલગ સમયે લઇ જઇ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. છેલ્લે ગત માર્ચ માસમાં શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્રણેક વર્ષ સુધી અમિતે તેની સાથે સંબંધ રાખ્યા બાદ એક દિવસ અચાનક તેને કહ્યું કે તું અત્યારે તારા ઘરે દિલ્હી જતી રહે, હું તને ફલાઇટની ટીકીટ કરાવી આપું છું. આ પછી તેની ટીકીટ બૂક કરાવી દિલ્હી મોકલી દીધી હતી. ત્યારથી તેની સાથે ફોનમાં અને સોશિયલ મીડિયા પર સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. થોડા દિવસ બાદ તેણે અમિતને ફોન કરી આપણે ક્યારે મેરેજ કરશું તેમ પૂછતાં સ્પષ્ટ કહ્યું કે આપણે મેરેજ નહીં કરી શકીએ, મારે મારી પત્ની સાથે સમાધાન થઇ ગયું છું, તું મને ફોન કરતી નહીં, આપણા સંબંધ હવ પૂરા. બાદમાં તેની સાથે ઝગડો કર્યો હતો. એટલું જ નહીં તેનો મોબાઇલ નંબર બ્લેક લીસ્ટમાં નાખી સંબંધ કાપી નાખ્યો હતો.
અમિતે અરજી પાછી ખેંચાવવા ધમકી આપવાનું શરૂ કર્યું
જેથી તેણે પોલીસમાં અરજી કરી હતી. જેની જાણ થતાં અમિતે અરજી પાછી ખેંચાવવા ધમકી આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ બળજબરીથી કારમાં બેસાડી તેને નોટરી પાસે લઇ જઇ અંગ્રેજીમાં લખેલા લખાણ પર તેની સહી કરાવી લીધી હતી. પાછળથી તેને જાણવા મળ્યું કે અમિત સામે તેણે કરેલી અરજીમાં સમાધાનની હતી અને હવેથી તે પોલીસમાં આ અંગેની કોઇ ફરિયાદ નહીં કરી શકે તેવું લખાણ હતું.








