Ahmedabad news: શહેરની 93 AMCની સ્કૂલોની ઈમારત બંધ હાલતમાં, હવે ચાલશે આંગણવાડી
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી 93 મ્યુનિસિપલ શાળાઓના મકાન વર્ષોથ

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી 93 મ્યુનિસિપલ શાળાઓના મકાન વર્ષોથી બંધ હાલતમાં છે. આ મકાનોમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો છે. શહેરમાં 2100 જેટલી આંગણવાડીઓ ચલાવવામા આવે છે. આ પૈકી 700 આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવાઈ રહી છે. બંધ મ્યુનિ.શાળાઓમાં આંગણવાડી ચલાવવાના નિર્ણયથી કોર્પોરેશનને વર્ષે અંદાજે દસ કરોડ રુપિયાની બચત થશે. બંધ શાળાઓના મકાન પૈકી કેટલાક મકાન સામાન્ય સમારકામ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય એમ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શાળાઓ પૈકી સ્કૂલ બોર્ડ માલિકીના 54 મકાન તથા સ્કૂલ બોર્ડ હસ્તક ભાડાના મકાનમા ચલાવાતી શાળાઓ પૈકી 39 મકાન છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં આવેલા છે. ખાડીયા ઉપરાંત જમાલપુર, બહેરામપુરા, એલિસબ્રિજ તથા સરદારનગર વોર્ડમાં આવેલા આ મકાનો આંગણવાડી ચલાવવા માટે આપવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે.
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ કહ્યું કે, કોટ વિસ્તારમાં બાળકોની સંખ્યા ઘટતા શાળાઓ મર્જ કરી કેટલીક શાળાઓ બંધ કરાઈ હતી. લાખા પટેલની પોળ,ખાડીયા ખાતે આવેલી શાળાના બિલ્ડિંગમા નીચેના ભાગમા કોર્પોરેશન દ્વારા આયુર્વેદિક દવાખાનુ ચલાવાય છે. તો અમૃતલાલની પોળ પાસે આવેલા મ્યુનિસિપલ શાળાના મકાનમાં કોર્પોરેશન દ્વારા ખાડીયા અર્બન હેલ્થ સેન્ટર વર્ષોથી ચલાવાઈ રહ્યુ છે.
હવે બંધ મ્યુનિસિપલ શાળાઓના મકાનમાં આંગણવાડી ચલાવવાના નિર્ણયથી કોર્પોરેશનને દર મહીને ભાડા પેટે ચૂકવવી પડતી દોઢથી બે કરોડ રુપિયાની બચત થશે. શહેરના સરદારનગર, અસારવા, કુબેરનગર, સૈજપુર ઉપરાંત કાલુપુર,દરિયાપુર, જમાલપુર વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ શાળાઓના મકાનો પૈકી કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે.શાહપુર, સરસપુર, ગોમતીપુર,બાપુનગર, ખોખરા, ઘોડાસર,બહેરામપુરા, રાયખડ તથા મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક શાળા જર્જરીત હોવાથી બંધ હાલતમાં છે.





