સુરતમાં જોવા મળ્યો વિચિત્ર નજારો, ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા આગળ ઉભેલી કાર પર પડ્યા પતરા; મોટી દૂર્ઘટના ટળી
એક કહેવત છે કે, આફતના તેડા ન હોય તે ગમે ત્યારે આવી પડે.. બસ સુરતના રસ્તાઓ પર પણ ક્યારે કઈ બાજુથી આફત આવી પ

એક કહેવત છે કે, આફતના તેડા ન હોય તે ગમે ત્યારે આવી પડે.. બસ સુરતના રસ્તાઓ પર પણ ક્યારે કઈ બાજુથી આફત આવી પડે તે કહી ન શકાય. આગળથી કે સાઈડમાંથી તો અત્યાર સુધી અકસ્માતો સર્જાતા હતાં. પરંતુ ગોડાદરા વિસ્તારમાં વિચિત્ર કહી શકાય તેવો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાફિક સિગ્નલ પર શાંતિથી ઉભેલી કાર પાછળ માતેલા સાંઢની જેમ પતરા ભરીને આવેલા ટેમ્પોએ જોરદાર બ્રેક મારી હતી. જેથી પતરા ટેમ્પામાંથી સરકીને સીધા જ કાર પર પડ્યાં હતાં. જેથી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
દિવાળીની ખરીદીમાં પરિવાર નીકળેલું
હાલ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવસારીથી હેમંત મહાજન તેમના માતા અને પત્ની સાથે સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કપડાની ખરીદી કરવા માટે આવી રહ્યાં હતાં. આ દરમિયાન ગોડાદરા વિસ્તારમાં આવેલા કેપિટલ સ્ક્વેરની પાસે ટ્રાફિક સિગ્નલ પર કાર થંભાવી હતી. આ દરમિયાન પાછળથી ટેમ્પાના સ્વરૂપે તેના પર આફત આવી પડી હતી.
સિગ્નલ પર ઉભા હતા
પરિવાર સાથે ખરીદી કરવા આવેલા હેમંત મહાજને કહ્યું કે, અમે તો સિગ્નલ લાલ હોવાથી ઉભા હતાં. ત્યારે અચાનક પાછળથી ટેમ્પો આવી ગયો હતો. તેના પતરાં અમારી કારના રૂફ ટોપ પર આવી ગયા હતાં. જેથી રૂફને ભારે નુકસાન થયું હતું. આગળનો કાચ તૂટી ગયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.








