બનાસકાંઠામાં વધુ એક શિક્ષક 2 વર્ષથી ગાયબ,આ શાળાના શિક્ષકનો કોઇ પત્તો જ નથી!
બનાસકાંઠાના દાંતા તાલુકાના પાન્છા ગામની સ્કૂલમાં શિક્ષિકાની લાલિયાવાડી બાદ હવે વાવ તાલુકામાં પણ શિક્ષણ

બનાસકાંઠાના દાંતા તાલુકાના પાન્છા ગામની સ્કૂલમાં શિક્ષિકાની લાલિયાવાડી બાદ હવે વાવ તાલુકામાં પણ શિક્ષણ વિભાગનું લોલમલોલ જોવા મળ્યું છે. વાવ તાલુકાના ઉચપા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બે વર્ષથી સ્કૂલમાં કોઇ પણ જાતની જાણ કર્યા વગર રફુચક્કર થઇ ગયા છે. શિક્ષકની શાળામાં ગેરહાજરી મુદ્દે આચાર્ય દ્વારા અનેકવાર ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે.
શિક્ષક બે વર્ષથી ગેરહાજર
બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ઉચપા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની રજિસ્ટ્રેશન સંખ્યા 321 છે. શાળામાં કુલ 11 શિક્ષકો છે જે ધોરણ 1થી 8 ના તમામ બાળકોને ભણાવે છે. 11 શિક્ષકો પૈકીના એક શિક્ષક, છેલ્લા બે વર્ષથી સતત કે ગેરહાજર છે.જેથી આ સ્કૂલમાં હવે એક શિક્ષકની ઘટ સાથે 10 નો સ્ટાફ કાર્યરત છે. ગત 10 -11 -2022 થી આ સ્કૂલમાં ધોરણ 1થી 5ના વર્ગ શિક્ષક એવા દર્શનભાઈ ચૌધરી સતત ગેરહાજર છે.
જેથી આ ગંભીર બેદરકારી મામલે શાળાના આચાર્ય નિયત સમય મર્યાદામાં સેન્ટર શાળા, વાવ તાલુકા પ્રાથમિક અધિકારી, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ શિક્ષકની સતત ગેરહાજરી મામલે લેખિત રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી છેલ્લા બે વર્ષ ના સમય બાદ પણ આ શિક્ષક કેમ ગેરહાજર છે? તેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની તસદી સુદ્ધાં લીધી નથી.
ગુલ્લીબાજ શિક્ષકો અહેવાલ મંગાવવામાં આવશે
પાન્છાની ગેરહાજર શિક્ષિકાના મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 8 વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉઘાડી પડતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.








