મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કલા સ્મૃતિ અને TAFF દ્વારા કવિ સંમેલન 'મેઘા રે' યોજાયુ; મોટી સંખ્યામાં ભાવકો ઉમટ્યાં

પંડિતને રાતે ઊંઘ ના આવે તો થાય શું ? "આદિલ" ગઝલનું ગામને ઘેલું તો છે જ છે

કલા સ્મૃતિ અને TAFF દ્વારા કવિ સંમેલન 'મેઘા રે' યોજાયુ; મોટી સંખ્યામાં ભાવકો ઉમટ્યાં

પંડિતને રાતે ઊંઘ ના આવે તો થાય શું ?

"આદિલ" ગઝલનું ગામને ઘેલું તો છે જ છે

બસ આ જ રિએકશન હતા એ શ્રોતાઓના જેમણે શુક્રવારે અમદાવાદના SGVP કેમ્પસ ખાતે "કલાસ્મૃતિ" અને "ટાફ પરિવાર" આયોજિત કવિસંમેલન "મેઘા રે" માણ્યું.

કાર્યક્રમના સંચાલક તાહા મન્સૂરીએ હજી અઠવાડિયા પહેલા જ દાવો કર્યો હતો કે "આ કાર્યક્રમ શહેરનું સાહિત્યિક વાતાવરણ બદલી નાંખશે" અને કુદરત પણ જાણે એમની વાતમાં સૂર પુરાવતી હોય એમ ગઈકાલ બપોરથી શહેરનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. કાર્યક્રમ 8 વાગ્યાનો હતો પરંતુ ટાફ અને કલાસ્મૃતિના સ્વયંસેવકો 5 વાગ્યાથી જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને 7 વાગ્યે તો શ્રોતાઓએ પણ આવવાનું શરૂ કરી દીધું હતું. કાર્યક્રમ શરૂ થતાં સુધીમાં તો આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. આયોજકોના અંદાજ પ્રમાણે અંદાજે 700થી 800  ભાવકોએ આ કાર્યક્રમ માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત થઈ જાણીતાં અભિનેત્રી ધરા ભટ્ટના મોનોલોગ્સ સાથે. તેમણે 3 શોર્ટ મોનોલોગની અદભુત રજૂઆત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઘણા બધાં શ્રોતાઓ માટે મોનોલોગ માણવા એ એક નવો જ અનુભવ હતો. આ દરમિયાન SGVPના મુખ્ય સ્વામી સંત માધવપ્રિયદાસજી પણ પધારી ચૂક્યા હતા અને તેમના શુભહસ્તે તમામ કવિઓનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં સુધીના કાર્યક્રમનું સંચાલન નિસર્ગ આહિરે કર્યું હતું.

કવિ સંમેલનની શરૂઆત થતાં જ મંચ સંચાલન કવિ તાહા મન્સૂરીએ સંભાળ્યું હતું કે -

લાગણીના જળ વડે મર્દન કરું છું

શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું

બે ગઝલ, બે ગીતના પુષ્પો ચઢાવી

પ્રથમ માતૃભાષાને વંદન કરું છું

આ મુક્તક સાથે તેમણે તમામ કવિઓને મંચ ઉપર આવકાર્યા હતા અને મંચ ઉપરના કવિઓમાં સૌથી સિનિયર અને અમદાવાદના ગૌરવ સમા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને સદરે મુશાયરા (કવિ સંમેલનના અધ્યક્ષ) જાહેર કર્યા હતાં. આ પછી પહેલા કવિ લવ સિંહાને રજૂ કરતાં પહેલાં તેમના પરિચયમાં જણાવ્યું હતું કે ગઝલ સહજતાને વરેલો કાવ્યપ્રકાર છે અને કવિને બહુ સહજ છે. માઇક પર આવેલા લવ સિંહાએ બરાબરનો માહોલ જમાવ્યો હતો અને શ્રોતાઓએ પણ એમની કવિતાઓ બરાબરની ઝિલી હતી. તેમના કેટલાક શેર નીચે પ્રમાણે છે -

જો નજરથી કોઈ ઉતરી જાય છે,

આંખ પરનો ભાર ઓછો થાય છે,

એક તું જ છે મારી પાસે,

તારી પાસે તો ‘‘અથવા’ છે.

આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે,

આ સ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે.

લવ સિંહા બાદ પઠન કરવાનો વારો કવિ હિતેષ વ્યાસનો હતો. અને તેમને રજૂ કરતા પહેલા સંચાલકે ઉર્દૂ સાહિત્યમાં નઝમ કાવ્યપ્રકારમાં કેવું કામ થયું છે તેની જાણકારી આપી હતી અને પાકિસ્તાનના રાજકારણ ઉપર ફૈઝ અહેમદ ફૈઝ અને હબીબ જાલીબ જેવા કવિઓની નઝમોનો કેવો પ્રભાવ રહ્યો હતો એ જણાવ્યુ હતુ અને આ સાથે જ કવિ હિતેષ વ્યાસને આજની પેઢીના એક સારા નઝમકાર ગણાવી તેમને કાવ્યપાઠ માટે આમંત્રિત કર્યા હતાં. કવિ હિતેષ વ્યાસે રજૂ કરેલ રચનાઓ નીચે પ્રમાણે હતી. 

પ્રથમ સર કરો કોઈ મોટા શિખરને,

પછી એ શિખરને ગુમાવીને જોવો.

આર્ટિફિશિયલ ઘાસ નખાવી ઝુલા માથે બેસી રે,

સ્કેવર ફૂટમાં કર્યું રૂપાંતર વિઘો વિઘો વેચીને.

એક   દીવો  પૂરતો  લાગે  ફકત,

આ જીવનમાં એટલો અંધાર કર.

કવિ હિતેષ વ્યાસના પઠન બાદ ફરી મંચ સંચાલક તાહા મન્સૂરીએ મેદાન સાંભળ્યું હતું. તેમણે પોતાની પત્ની ફરહાના મન્સૂરીને ઉર્દૂનો એક શેર અર્પણ કરી આખો માહોલ હળવો કરી નાખ્યો હતો. એ શેર આ પ્રમાણે હતો. 

बारिश की बरसती बूंदों ने जब दस्तक दी दरवाज़े पर 

महेसुस हुआ तुम आए हो, अंदाज़ तुम्हारे जैसा था।

હિતેષ વ્યાસ બાદ કવિ વિપુલ પરમારને કાવ્યપાઠ માટે આમંત્રિત કરતાં સંચાલકે જણાવ્યું હતું કે વિપુલ પરમાર એ સંવેદનાના સર્વોચ્ય શિખરે જઈ બેઠેલો કવિ છે. અને આ કવિ જીવનને કોઈક અલગ જ લેન્સથી જુએ છે. વિપુલ પરમારે કાર્યક્રમમાં નીચે પ્રમાણેની કવિતાઓ રજૂ કરી હતી.

હાથમાં છે એ કશામાં  સાર ક્યાં છે!

તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે!

બીજું ઘણું થવાનું ચુકાયું છે એ કબૂલ 

એની નજરમાં મીર થવાયું, ઘણું થયું

નહીં તો એેયને આખું જીવન આરામથી જીવત

તમે દીવો કરી  શું  કામ  અંધારા  બતાવ્યાં'તા?

વિપુલ પરમાર બાદ કાવ્યપાઠ કરવાનો વારો હતો કવિ ચેતન દૈયાનો. ચેતન દૈયા આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ છે, પરંતુ કવિતાની દુનિયામાં આ તેમનું પહેલું ડગલું હતું. મંચ સંચાલકે ચેતન દૈયાની કવિતાની સરળતાના વખાણ કર્યા હતાં અને જેમ ક્રિકેટમાં ડેબ્યુ કરનારને સિનિયર ખેલાડી દ્વારા ડેબ્યુ કેપ આપવામાં આવે છે તે જ રીતે ચેતન દૈયાને કવિ હર્ષ બ્રહ્મભટ્ટના હસ્તે પાઘડી પહેરાવડાવી તેમને કાવ્યપાઠ કરવા આમંત્રિત કર્યા હતાં. ચેતન દૈયાએ રજૂ કરેલી કવિતાઓ આ પ્રમાણે હતી.

ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું,

મારી બાજુનું ઘર જે દિવસે ખાલી થયું.

પલાંઠી વાળીને બેઠા પ્રસંગો છે ઘરમાં,

હું ક્યાં સંતાવા જાઉં કોઈ સાપના દરમાં.

છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું,

માણસોની ઓળખ નથી મને એટલે મિત્રો હજાર રાખું છું.

ચેતન દૈયા પછી મંચ ગજવવા માટે કવિ ભાવિન ગોપાણી તૈયાર જ હતાં. તેમને રજૂ કરતાં પહેલાં સંચાલકે તેમને છેલ્લા એક દશકમાં સૌથી વધારે મંચ ગજવનાર કવિ ગણાવ્યા હતાં. ભાવિન ગોપાણીએ રજૂ કરેલ કવિતાઓ નીચે પ્રમાણે હતી.

ખૂલે છે એક બારીને ઝૂકે છે ડાળખીનું મન,

ગલીના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન.

તમારા હાથ કરતાં તો સમયનો હાથ છે મજબૂત,

તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય.

કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે,

અડધો પડી ગયો અને અડધો ઊભો હતો.

ભાવિન ગોપાણી બાદ કાવ્યપાઠ માટે આવ્યા કવિ દિલીપ શ્રીમાળી. તેમના પરિચયમાં સંચાલકે કહ્યું હતું કે જેમ મનોજ ખંડેરિયાએ ગઝલની રગ રગમાં રક્તની વાત કરી હતી એમ આ કવિની કવિતાના દરેક શબ્દમાં લોહી વહે છે. સંચાલકે શ્રીમાળીને શરમાળ કવિ ગણાવી ફરિયાદ કરી હતી કે ગુજરાતી કવિતાએ આ કવિની યોગ્ય નોંધ લીધી નથી. દિલીપ શ્રીમાળીએ આ કવિતાઓ રજૂ કરી હતી.

જેટલા લોકો અહીં છે બે પગા છે,

એમના મનમાં જુઓ કેવા દગા છે!

અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે?

અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે?

ઈશ્વર થવાનું આવડે તો થાય બધાં

થઈ ગયેલા ઈશ્વરો ક્યાં જાય બધાં?

દિલીપ શ્રીમાળીના કાવ્યપાઠ બાદ શ્રોતાઓને જકડી રાખવાની જવાબદારી યુવા દિલોની ધડકન કવિ ભાવેશ ભટ્ટના માથે હતી. સંચાલકે ભાવેશ ભટ્ટને ગુજરાતી કાવ્યમંચનો અનિવાર્ય પર્યાય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ભાવેશ ભટ્ટ ગુજરાતી ગઝલનો એ મુકામ છે જ્યાં દરેક ભાવકે રોકાવું જ પડશે. ભાવેશ ભટ્ટે નીચેની કવિતાઓ રજૂ કરી હતી.

એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી,

કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે.

કહી દે મોતને કે આવી જાય જાત ઉપર,

હું રાહ જોઉં છું મોકા-એ- વારદાત‌ ઉપર.

મારી દીકરીનો વાન બદલી નાખ,

કાં જગતનું ઈમાન બદલી નાખ.

ભાવેશ ભટ્ટ પછી આવ્યા કવિ મુધુસુદન પટેલ. તેમને રજૂ કરતાં કહેવાયું કે જેમ કૃષ્ણ અર્જુનની મદદ કરવા કાયમ તૈયાર રહેતાં એ જ રીતે મધુ પટેલ કાયમ પોતાના મિત્રોની મદદ કરવા તત્પર હોય છે. કવિ મધુ પટેલે પણ શ્રોતાઓ પાસેથી ભરપૂર તાળીઓ ઉઘરાવી હતી.

ખબર પડતાં પિતાજીનું હૃદય રાજી થયેલું છે,

કે મેં દસ-બાર ચા માટે કદી દેવું કરેલું છે.

કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું,

ઝભ્ભો મારો કૉલરવાળો બનાવ તું.

અરે! આંબલી-પીપળી રમતાં પોતીકા આ હાથ ધ્રૂજતા, જાણીતી એક ડાળ છૂટતાં સામે ફળિયે માળા કરતી-

કંકુ ડોશી પહેલાં બોલે ગાળ પછી બે કૂવા જેવી આંખે બબ્બે નદિયું આવે એ રજવાડું; આહાહાહા!

મધુસૂદન પટેલના કાવ્યપાઠ બાદ કાર્યક્રમ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો હતો.

સૌ વ્યસ્ત છે અહીંયાં ગરદન ઝુકાવવામાં

મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં

આ શેર લખીને આ શેર જેવું જ ખુમારીભર્યું જીવન જીવનારા સદરે મુશાયરા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ભાવકોને પોતાની કવિતાઓમાં તરબોળ કરવા બિલકુલ તૈયાર હતાં. વર્ષો સુધી ગુજરાત સરકારમાં ઉચ્ચ પદે ફરજ નિભાવનાર હર્ષ બ્રહ્મભટ્ટને સંચાલકે ભોજ રાજાના દરબારમાં રહેતા કવિ કાલિદાસ સાથે સરખાવ્યા હતાં. હર્ષભાઈ પોતાની નાદુરસ્ત તબિયત છતાં પણ આયોજક પરિવારના મિત્રો અને ભાવકોની લાગણીને માન આપીને અંત સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. એમણે રજૂ કરેલ કવિતાઓ આ પ્રમાણે હતી.

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,

આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ?,

સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર,

એના દરવાજાની પાછળ ઘર નથી.

ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને ,

બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત.

અહીંયા કવિ સંમેલન પૂરું જાહેર થયા બાદ સ્વામી માધવપ્રિયદાસજીએ પોતાના આશીર્વચનો વરસાવ્યા હતા. તેમણે સંચાલક તાહા મન્સૂરીને "ચાલાક સંચાલક" ગણાવ્યા હતાં. સ્વામીજી પોતે પણ કવિ હોય ભાવકોને તેમની રચના સાંભળવાનો પણ લાભ મળ્યો હતો. સ્વામીજીએ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યો જેવા કે હોસ્પિટલ, શિક્ષણ અને સદાવ્રત વિશે માહિતી આપી હતી. અંતે નિસર્ગ આહિરે ટાફ ગ્રુપના એડમિન્સ તન્મય શેઠ અને આ કાર્યક્રમને સફળ બનાવવા સતત મહેનત કરનાર યોગેશ જીવરાની, મનીષ પટેલ, કુણાલ જોશી સહિત ગ્રુપના બીજા સભ્યો અને સ્પોન્સર મિત્રોનો આભાર માન્યો હતો. અહી આ કાર્યક્રમને સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

TAFF - ખાણી-પીણી અને ઉજાણી સાથે વારસાના જતનની ખેવના

TAFF ગ્રુપના નામમાં Travel, Art, Fashion અને Food છે. ટાફ ગ્રુપ એ એક નોન કોમર્શિયલ ગ્રુપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. ટાફ ગ્રુપ દ્વારા ઘણી ફૂડ મીટ થયેલી છે. આ સિવાય કાંકરિયા અને અમદાવાદ શહેરના હેરિટેજ મૂલ્યોને ઉજાગર કરતી અલગ અલગ વોક થઈ છે. લોથલ જેવી હેરિટેજ સાઇટની પણ મુલાકાત અને એક દિવસીય પિકનિક જેવા કાર્યક્રમ થયેલા છે. આ સિવાય ગુજરાતી સિનેમાના પ્રીમિયર જેવા કાર્યક્રમ પણ યોજાયેલા છે. ટાફ ગ્રુપમાં રહેલા સભ્યો એક પરિવારની જેમ સમયાંતરે આવા કાર્યક્રમો દ્વારા મળતા રહે છે.

કોરોનાકાળમાં અમદાવાદના કળારસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગ્રૂપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણી-પીણી, ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલુ આ ગ્રૂપ ફૂડ-હેરિટેજ વૉક, મુશાયરા અને મૂવી સ્ક્રિનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિ:શૂલ્ક કરતું રહે છે. ગ્રૂપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો