Surat news: તડકેશ્વર ગામની ટાંકીના કોન્ટ્રાક્ટરે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું! રૂપિયા આપો અને ધંધો કરવાનો કોંગ્રેસનો આરોપ
સુરત જિલ્લાના તડકેશ્વરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી ચકાસણી દરમિયાન જ પત્તાના

સુરત જિલ્લાના તડકેશ્વરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી ચકાસણી દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર 'જયન્તી સુપર કન્સ્ટ્રક્શન' દ્વારા ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું, જેના કારણે સરકાર કડક કાર્યવાહી કરવાને બદલે ઢીલી નીતિ અપનાવી રહી છે.
શું છે સમગ્ર વિવાદ?
તડકેશ્વર ગામે લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, કામ પૂર્ણ થયા બાદ જ્યારે પાણી ભરીને તેની ચકાસણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ આખી ટાંકી તૂટી પડી હતી. આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા અને તેમાં થયેલા લોટ-પાણી-ને-લાકડા જેવા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
ટેન્ડરોની જો પારદર્શક તપાસ થાય, તો મોટું કૌભાંડ બહાર આવી શકે
છેલ્લા બે દાયકામાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિકાસના નામે અપાયેલા ટેન્ડરોની જો પારદર્શક તપાસ થાય, તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે, દરેક દુર્ઘટના પછી 'ચમરબંધીને નહીં છોડાય' તેવી વાતો કરતી સરકાર વાસ્તવમાં પોતાના જ મળતીયા કોન્ટ્રાક્ટરોને બચાવી રહી છે?તડકેશ્વરની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ કરી રહી છે.






