મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અરદેશર કોટવાળને સ્વામિનારાયણ ભગવાને આપી હતી પાઘ, ગુરુકુળના સંતોએ કર્યુ પૂજન

આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણની સુરતમાં ધામધૂમથી ૫ધરામણી થઈ હતી. એ સમયના સુરત જિલ્લાના ક

સુરતમાં અરદેશર કોટવાળને સ્વામિનારાયણ ભગવાને આપી હતી પાઘ, ગુરુકુળના સંતોએ કર્યુ પૂજન

આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણની સુરતમાં ધામધૂમથી ૫ધરામણી થઈ હતી. એ સમયના સુરત જિલ્લાના કોટવાલ અરદેશરજી પારસીને ભગવાન સ્વામિનારાયણે પાઘ આપી હતી. જેને આજે ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ગુરુકુલના સંતોએ પૂજન અર્ચન કર્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરતમાં સંવત ૧૮૮૧ ( ઈ.સ. 1824)ના કારતક વદ છઠ્ઠ થી માગશર સુદ બીજ કુલ 11 દિવસ રોકાયા હતાં. સુરતના એ સમયના નવાબ મીર અફજુલ્લદીન અહમદખાને અરદેશરજીને કોટવાલી સોંપી હતી. તેમના તથા મુનિબાવાના નિમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ સુરતમાં પધાર્યા હતાં.

આ પણ વાંચોઃ ભૂલથી પણ પર્સમાં ન રાખો આ 7 વસ્તુઓ, પૈસા પાણીની જેમ વહી જશે, તથા દેવી લક્ષ્મી થશે ગુસ્સે!

અરદેશરજીના ગુરુ મુનિબાવા હતા     

આ દરમ્યાન અફજુલ્લદીન અહમદખાનની કચેરીએ , અંગ્રેજ અમલદાર મિસ્ટર એરન સાહેબને બંગલે, સુરત જિલ્લાના ન્યાયાધીશ એન્ડરસન સાહેબના બંગલે ધામધૂમથી પધરામણીઓ કરી હતી. અરદેશરજી ત્રેવીસ વર્ષની વયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કચેરીમાં મહેતાજી તરીકે દાખલ થયા હતાં. તેમની હોશિયારીથી ધીમે ધીમે તેઓ અમીન, પ્રિન્સિપાલ, સાદર અમીન, ન્યાયાધીશ, દીવાન, ખાસ કમિશ્નર અને કોટવાલના પદ સુધી પહોંચ્યા હતાં. અરદેશરજીના ગુરુ સુરતના ભગવાન ગણાતા ૯૦ વર્ષના છતાં યુવાન દેખાતા મુનિબાવા હતા. મુનિબાવાને બ્રહ્માનંદ સ્વામીના યોગે ભગવાન શ્રી સ્વામિનારાયણની ઓળખાણ થઈ હતી અને તેમનો મહિમા સમજાયો હતો.

પાઘનું પારસી પરિવાર જતન કરે છે

આ અરદેશરજી કોટવાલને ભગવાન શ્રી સ્વામિનારાયણએ સુરતમાંથી વિદાય થતી વખતે આજથી ૨૦૦ વર્ષ પહેલા આજના દિવસે માગશર સુદ બીજના રોજ રૂસ્તમબાગમાં પોતાની પાઘ આપી હતી. ભગવાને  તેમના મસ્તક ઉપર હાથ મૂકતાં કહ્યું : “શેઠ ! તમે તમારા હોદ્દાનું માન મૂક્યું, સત્તાનો ઘમંડ મૂક્યો, અમને રાજી કરવા તમે સેવક બની ગયા. તમારા એ પ્રેમના ભાવથી જ તમને આ પ્રસાદી અમે આપી છે તે દિવ્ય છે. તેનાં દર્શનથી તમારી અમારા પ્રત્યેની ભક્તિ વધુ દૃઢ થશે. તેની રોજ પૂજા કરજો. એ પાઘના સંબંધથી તમારાં ઘર તીર્થ બની જશે. અમારા મોટા મોટા સંતો અને ભક્તો તમારે આંગણે આ પાઘનાં દર્શન કરવા આવશે, તેથી તમારા ઘરનું તીર્થત્વ સદા સચવાશે.”પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર ઘણાએ આ પાઘ લાખો રૂપિયામાં માંગેલ છે છતાં પોતાના પૂર્વજોને ભગવાનના રાજીપા રૂપે મળેલ અણમોલ પ્રસાદીની પાઘને જતન કરીને અરદેશરજીના વંશજો આજે સારી રીતે સાચવી રહ્યા છે. દર વર્ષે  કારતક સુદ બીજના દિવસે સુરતના દરેક ધર્મના હજારો શ્રધ્ધાળુઓ આ પાઘના દર્શન પૂજન કરી પોતાનો ધંધો શરૂ કરતા હોય છે .

આ સમાચાર શેર કરો