અમદાવાદના પીરાણામાં ગટરમાંથી શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળ્યા, ગુમ થયેલી બાળકીના હોવાની આશંકા

અમદાવાદમાં પીરાણા પાસે ગટરમાં પડી ગયેલી બાળકી મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પીરાણા વિસ્તારમાંથી ફાયર વિભાગને શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. આ અવશેષો ગટરમાં પડીને ગુમ થયેલી બાળકીના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અવશેષોની ઓળખ માટે FSLની મદદ લેવાશે
મળતી માહિતી મુજબ, પીરાણા વિસ્તારમાં ફાયર વિભાગને શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળી આવતાં ફાયર વિભાગના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથે જ અવશેષોની ઓળખ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવશે.
હાલમાં મળી આવેલા અવશેષો ગુમ થયેલી બાળકીના જ છે કે અન્ય કોઈ વ્યક્તિના છે, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. FSLની તપાસ અને વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જ આ અંગેની હકીકત સામે આવશે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.











