₹15 હજારના પાસ છતાં ગરબા રમવા જગ્યા નહીં! ફૂડ કોર્ટમાં ખેંચાખેંચી, પાર્કિંગમાં હાલાકી; અમદાવાદના ભવ્ય આયોજન સામે સવાલો

Ahmedabad Navratri Mismanagement: અમદાવાદમાં આ વર્ષની નવરાત્રિ દરમિયાન ગરબાની ભવ્યતા સાથે ગેરવ્યવસ્થાની ફરિયાદો પણ ચર્ચામાં આવી છે. લાખો રૂપિયાના પ્રચાર, ઝાકઝમાળભરી લાઇટિંગ અને મોંઘા પાસના આકર્ષણ વચ્ચે અનેક ગરબા મેદાનોમાં ભીડ, પાર્કિંગ અને ફૂડ કોર્ટની વ્યવસ્થાને લઈને ખેલૈયાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં કથિત ગેરવ્યવસ્થાનાં દૃશ્યો સામે આવતાં આયોજકોના આયોજન સામે સવાલો ઊભા થયા છે.
મોંઘા પાસ ખરીદ્યા, છતાં મેદાનમાં જગ્યા નહીં!
આ વખતે ગરબા આયોજનોમાં ભવ્ય મંચ, જાણીતા કલાકારો અને આકર્ષક લાઇટિંગના નામે ખેલૈયાઓને આકર્ષવામાં આવ્યા હતા. જોકે, ખેલૈયાઓની ફરિયાદો મુજબ કેટલાક મેદાનોમાં એટલી ભીડ જોવા મળી કે ગરબા રમવા માટે પૂરતી જગ્યા પણ મળી નહોતી. કેટલાક સ્થળોએ ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ પાસ વેચાયા હોવાના આક્ષેપો પણ થયા છે.
ખાસ કરીને ₹15,000 સુધીની કિંમત ધરાવતા પાસવાળા ગરબા આયોજનની ચર્ચા વચ્ચે ખેલૈયાઓનો સવાલ છે કે ઊંચી કિંમત ચૂકવ્યા બાદ પણ જો ભીડમાં ઊભા રહેવાની મુશ્કેલી પડે, તો પાસના ખર્ચ સામે યોગ્ય અનુભવ કેવી રીતે મળે?
પાર્કિંગથી ફૂડ કોર્ટ સુધી મુશ્કેલીઓ
અમદાવાદના એસ.પી. રિંગ રોડ નજીક આવેલા કેટલાક ગરબા મેદાનોમાં પાર્કિંગની વ્યવસ્થાને લઈને પણ ફરિયાદો સામે આવી છે. ઉબડખાબડ પાર્કિંગ સ્થળો, વાહનો ગોઠવવામાં મુશ્કેલી અને ટ્રાફિકની અંધાધૂંધીને કારણે ખેલૈયાઓને હાલાકી ભોગવવી પડી હોવાના અહેવાલ છે.
બીજી તરફ, કેટલાક ગરબા આયોજનોમાં ફૂડ કાઉન્ટર પર ભીડ અને ખેંચાખેંચીનાં દૃશ્યો પણ ચર્ચામાં રહ્યાં છે. મોંઘા પાસ ખરીદીને પહોંચેલા ખેલૈયાઓને ભોજન મેળવવા માટે પણ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોએ આયોજનની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા છે.
ભવ્યતા નહીં, વ્યવસ્થા પણ એટલી જ જરૂરી
સોશિયલ મીડિયાના યુગમાં ખેલૈયાઓ પોતાના અનુભવ અને આયોજનની ખામીઓના વીડિયો જાહેર કરી રહ્યા છે. અગાઉ ગરબાની સફળતા માટે ભીડ, કલાકારો અને લાઇટિંગની ભવ્યતા ચર્ચાતી હતી, પરંતુ હવે સુરક્ષા, જગ્યા, પાર્કિંગ અને ફૂડ કોર્ટની સુવિધાઓ પણ એટલી જ મહત્ત્વની બની છે.
ગરબાના મોંઘા પાસ વેચવા સામે વાંધો ન હોય, છતાં તેની સામે સલામત અને સુવ્યવસ્થિત અનુભવ આપવો આયોજકોની જવાબદારી છે. પાસની સંખ્યા નક્કી કરતી વખતે મેદાનની વાસ્તવિક ક્ષમતા, ભીડનું સંચાલન, પાર્કિંગ અને ખાણીપીણીની વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે. આખરે ખેલૈયાઓ માટે ગરબાની મોજ સાથે સલામતી અને સુવિધા પણ એટલી જ મહત્ત્વની છે.








