Suratમાં ડબલ મર્ડરથી અરેરાટી: મિલકત અને ભાડાના વિવાદમાં મોટા પુત્રએ માતા અને નાના ભાઈની હત્યા કરી

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતા ભાડાના પૈસાને લઈને ચાલી રહેલા પારિવારિક વિવાદમાં મોટા પુત્રએ આવેશમાં આવીને પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મિલકત અને ભાડાની રકમ બાબતે ચાલતી હતી તકરાર
મળતી માહિતી અનુસાર, મૂળ તેલંગાણાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા મલેશ્વરીબહેન સુદર્શન ગોડુંરુને શ્રીનિવાસ, રમેશ અને રાજુ નામના ત્રણ પુત્રો છે. મલેશ્વરી તેના સૌથી નાના પુત્ર રાજુ સાથે રહેતા હતા. મલેશ્વરીના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેમાંથી દર મહિને અંદાજે 60 હજાર રૂપિયા જેટલું ભાડું નિયમિત આવતું હતું. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતી હોવાથી આ ભાડાની રકમ રાજુને આપતી હતી. આ વાતને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ અવારનવાર નારાજગી વ્યક્ત કરતો હતો અને મિલકત તથા આવક ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાની જીદ પકડીને બેઠો હતો. થોડા સમય અગાઉ માતા મલેશ્વરીને શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, 'જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે.' માતાના આ નિર્ણયથી શ્રીનિવાસના મનમાં ભારે રોષ અને અદાવત ઘર કરી ગઈ હતી.
વહેલી સવારે ઉગ્ર તકરાર બાદ ચપ્પુના ઘા ઝીંકી દીધા
આ પારિવારિક વિવાદે આજે (18મી ઓક્ટોબર) વહેલી સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટો પુત્ર શ્રીનિવાસ લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીના ઘરે પહોંચ્યો હતો અને મિલકત બાબતે ફરીથી બોલાચાલી શરૂ કરી હતી. તકરાર એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવેલા શ્રીનિવાસે ચપ્પુ કાઢીને નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરી પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં બંને જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓ તથા વધુ પડતા લોહી વહી જવાના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
આ હત્યાની ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે ફરાર થયેલા અથવા સંડોવાયેલા મોટા પુત્ર શ્રીનિવાસ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની ચક્રો ગતિમાન કરી સઘન તપાસ શરૂ કરી છે.






