મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિમાં કેબ-રિક્ષાવાળાઓની નફાખોરીનો આક્ષેપ! ₹100નું ભાડું પહોંચ્યું ₹250એ, ગરબાના ખેલૈયાઓથી નોકરિયાતો સુધી સૌ પરેશાન

નવરાત્રિમાં કેબ-રિક્ષાવાળાઓની નફાખોરીનો આક્ષેપ! ₹100નું ભાડું પહોંચ્યું ₹250એ, ગરબાના ખેલૈયાઓથી નોકરિયાતો સુધી સૌ પરેશાન
આ સમાચાર સાંભળો

Ahmedabad Cab Fare Hike: અમદાવાદમાં નવરાત્રિના તહેવાર વચ્ચે ઓનલાઈન કેબ અને રિક્ષાના ભાડામાં અસાધારણ વધારો થતાં મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. જે અંતર કાપવા માટે અગાઉ ₹100થી ₹150 ચૂકવવા પડતા હતા, તે જ અંતર માટે હવે ₹200થી ₹250 સુધીનું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના પીક અવર્સ અને વહેલી સવારે ભાડું અઢીથી ત્રણ ગણું થઈ જતાં ગરબાના ખેલૈયાઓ, નોકરિયાતો અને વિદ્યાર્થીઓના ખિસ્સા પર ભાર વધ્યો છે.

નોકરિયાતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી

તહેવારોની મોસમમાં ગરબાના રંગે રંગાયેલા અમદાવાદમાં મુસાફરી ફરી એકવાર મોંઘી બની છે. ઓગસ્ટ મહિનામાં સત્તાવાર રીતે ભાડામાં વધારો થયા બાદ હવે નવરાત્રિ દરમિયાન ઓનલાઈન બુક થતી કેબ અને રિક્ષાના ઊંચા ભાડાએ સામાન્ય મુસાફરોની ચિંતા વધારી છે. કેટલીક રાઈડમાં કિલોમીટર દીઠ ₹28થી ₹32 સુધીનો ખર્ચ થતો હોવાના અહેવાલ છે.

પીક અવર્સમાં અઢીથી ત્રણ ગણું ભાડું

નવરાત્રિ દરમિયાન મુસાફરોની સંખ્યા વધતાં ઓનલાઈન કેબ સેવાઓમાં માંગ આધારિત ભાડા વધારા (Surge Pricing)ની અસર જોવા મળી રહી છે. રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ અને વહેલી સવારે મુસાફરોને ઘરે કે કામના સ્થળે પહોંચવા માટે વધુ નાણાં ચૂકવવા પડે છે. આ સમસ્યા માત્ર ગરબાનાં મેદાનો સુધી મર્યાદિત નથી; સામાન્ય વિસ્તારોમાં જવા માટે પણ ઊંચું ભાડું ચૂકવવું પડે છે.

ટિપ ન આપો તો બુકિંગમાં મુશ્કેલી?

મુસાફરોના આક્ષેપ મુજબ, કેટલીક રાઈડમાં ટિપ ઉમેરવામાં ન આવે ત્યાં સુધી ચાલકો બુકિંગ સ્વીકારતા નથી અથવા રાઈડ લેવા આનાકાની કરે છે. પરિણામે સમયસર ગંતવ્ય સ્થાને પહોંચવા માટે મુસાફરોને નાછૂટકે વધારે પૈસા ચૂકવવા પડે છે. તહેવારની ખુશીઓ વચ્ચે વધતા મુસાફરી ખર્ચે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવી નાખ્યું છે.

આ સમાચાર શેર કરો