શાકભાજીમાં પેસ્ટિસાઈડ્સનું ધીમું ઝેર: દેશના સૌથી જોખમી રાજ્યોની યાદીમાં ગુજરાત પણ સામેલ

સ્વાસ્થ્ય જાળવવા માટે રોજની થાળીમાં શાકભાજી હોવું જરૂરી છે, પરંતુ એ જ શાકભાજી ઉગાડવા માટે વપરાતી જંતુનાશક દવાઓનો અવશેષો આરોગ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે. જીવાતથી પાકને બચાવવા થતો દવાઓનો ઉપયોગ જો યોગ્ય માત્રામાં ન થાય, છંટકાવ અને લણણી વચ્ચેનો જરૂરી સમય ન જળવાય અથવા પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ થાય તો શાકભાજી મારફતે રસાયણોના અવશેષો આપણા શરીરમાં પહોંચી શકે છે. આ મુદ્દે સામે આવેલા સરકારી આંકડાઓએ ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં ખાદ્ય સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે.ગુજરાત વિશેષ સમાચાર
પેસ્ટિસાઈડ્સનો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી
તાજેતરમાં જારી થયેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2023-2026 દરમિયાન શાકભાજી અને ફળના 6035 નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 170 નમૂનામાં મર્યાદા કરતાં વધારે પેસ્ટિસાઈડ્સના તત્વો મળી આવ્યા છે. દેશમાંથી કુલ 23 રાજ્યમાં 70652 સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 3.1 ટકામાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ વધારે હતું. આ સમયગાળામાં સૌથી વધુ સેમ્પલ્સ લેવામાં આવ્યા હોય તેમાં કર્ણાટક 9176 સાથે મોખરે, તેલંગાણા 8198 સાથે બીજા, પંજાબ 6582 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે હિમાચલ પ્રદેશ 5765 સાથે પાંચમાં સ્થાને છે.
લેવામાં આવેલા સેમ્પલ્સમાંથી સૌથી વધુ પેસ્ટિસાઈડ્સમાં તેલંગાણા 486 સાથે મોખરાનું, કર્ણાટક 334 સાથે બીજું, મહારાષ્ટ્ર 260 સાથે ત્રીજું, ગુજરાત 170 સાથે હરિયાણા 152 સાથે પાંચમું સ્થાન ધરાવે છે.
શાકભાજીમાં જંતુનાશકના અવશેષો મળવા અને તેનું પ્રમાણ નિર્ધારિત સુરક્ષિત મર્યાદા કરતાં વધી જવું એ બે અલગ બાબતો છે. તેમ છતાં, મર્યાદા કરતાં વધુ અવશેષો ધરાવતા નમૂનાઓ મળવા એ ખેતીની પદ્ધતિઓ, બજારમાં થતા તપાસ અને ગ્રાહકોની સુરક્ષા માટે ચેતવણી સમાન છે. આથી શાકભાજી ખાવાનું બંધ કરવાની નહીં, પરંતુ ખેતરથી થાળી સુધી ખોરાક સુરક્ષિત રહે તેની ખાતરી કરવાની જરૂર છે. જંતુનાશકની અસર તેના પ્રકાર, માત્રા, શરીરમાં પ્રવેશવાના માર્ગ અને સંપર્કના સમયગાળા પર આધારિત હોય છે. કેટલાક રસાયણોનો વધુ પ્રમાણમાં સંપર્ક થાય તો તાત્કાલિક તકલીફો થઈ શકે છે. જ્યારે અમુક રસાયણોના લાંબા ગાળાના સંપર્ક અંગે આરોગ્યલક્ષી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ શાકભાજીમાં અવશેષો મળી આવ્યા એટલે તે ખાવાથી જ ચોક્કસ બીમારી થશે એવું તારણ કાઢી શકાય નહીં.
પાક માટે મંજૂર દવાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ જરૂરી
જાણકારોના મતે ખેડૂતોએ પાક માટે મંજૂર દવાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો, છંટકાવ વખતે સુરક્ષાનાં સાધનો પહેરવાં અને લણણી પહેલાં દવાના લેબલ પર જણાવેલો જરૂરી સમય જાળવવો જોઈએ. બીજી તરફ, ખાદ્ય સુરક્ષા તંત્રે બજારો અને પુરવઠા વ્યવસ્થામાંથી નિયમિત નમૂનાઓ લઈ ને તપાસ કરવી અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અવશેષો ધરાવતા નમૂનાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે. ગ્રાહકોએ શાકભાજી પર અસામાન્ય ગંધ કે દેખાવ હોય તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ, પરંતુ દેખાવ અને ગંધ સામાન્ય હોય એટલે શાકભાજી જંતુનાશકમુક્ત છે એવું માની લેવું નહીં.
પેસ્ટિસાઈડ્સથી શું સમસ્યા થઈ શકે?
કેટલાક જંતુનાશકોના ઊંચા પ્રમાણના સંપર્કથી ઊબકા, ઊલટી, પેટમાં દુ:ખાવો, ચક્કર, વધુ પડતો પરસેવો અને ચેતાતંત્રને લગતી તકલીફો થઈ શકે છે. ચોક્કસ રસાયણોનો વધુ પડતો અથવા લાંબા ગાળાનો સંપર્ક યકૃત, મૂત્રપિંડ અને અન્ય શારીરિક તંત્રો પર અસર કરી શકે છે. તેની ગંભીરતા રસાયણના પ્રકાર અને સંપર્કની માત્રા પર નિર્ભર છે.
કોણે ખાસ તકેદારી રાખવી?
બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખાદ્ય સુરક્ષાની ખાસ કાળજી જરૂરી છે. બાળકોના શરીરનું વજન ઓછું હોવાથી સમાન માત્રાના સંપર્કની અસર પ્રમાણમાં વધારે હોઈ શકે છે. તેથી ઘરમાં શાકભાજીની યોગ્ય સફાઈ અને ખેતીમાં જંતુનાશકોના નિયંત્રિત ઉપયોગ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.
માત્ર પાણીથી ધોવાથી બધું ઝેર નીકળી જાય છે?
•શાકભાજીને સ્વચ્છ, વહેતા પાણીથી સારી રીતે ધોવાથી માટી, ધૂળ અને સપાટી પર રહેલા કેટલાક જંતુનાશક અવશેષો દૂર કરવામાં મદદ મળે છે.
•પાંદડાવાળાં શાકમાં પાંદડાં અલગ કરીને ધોવાં, નુકસાન પામેલા બહારના પાંદડાં કાઢી નાખવાં અને જ્યાં યોગ્ય હોય ત્યાં છાલ ઉતારવી ઉપયોગી બની શકે છે. જોકે, શાકભાજીની અંદર શોષાઈ ગયેલા અથવા સપાટી સાથે મજબૂત રીતે ચોંટેલા તમામ અવશેષો માત્ર ધોવાથી દૂર થતા નથી.
•શાકભાજીને સારી રીતે રાંધવું બાહ્યજન્ય જીવાણુઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ છે, પરંતુ ગરમીથી દરેક પ્રકારના જંતુનાશકો નાશ પામે છે એવું નથી. મીઠું, વિનેગર કે બેકિંગ સોડાથી ધોવાથી તમામ જંતુનાશકો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે એવો પણ નિશ્ચિત પુરાવો નથી.
•શાકભાજી ધોવા માટે સાબુ, ડિટર્જન્ટ કે ઘરગથ્થુ સફાઈનાં રસાયણોનો ઉપયોગ કરવો નહીં.








