Video/ Surendranagar સિવિલમાં ડોક્ટરો આમને-સામને: મશીન ચાલુ પણ ઓપરેશન બંધ! દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં કરાવવા મજબૂર
સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગણાતી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ અત્યારે કોઈ બીમારીના કારણે નહીં, પરંતુ ડોક્ટરો વચ્ચેના આંતરિક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના આંખના વિભાગમાં ઓપરેશન માટે વપરાતું માઈક્રોસ્કોપ મશીન હોવા છતાં છેલ્લા એક વર્ષથી દર્દીઓના ઓપરેશન બંધ રાખવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સિવિલના RMO દ્વારા આંખના ડોક્ટર વિરુદ્ધ આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી લેખિત ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
મશીન બંધ હોવાનું 'બહાનું': RMO નો ગંભીર આક્ષેપ
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના RMO ડો. આસિત કુમારે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટેનું માઈક્રોસ્કોપ મશીન સંપૂર્ણ કાર્યરત છે. તેમ છતાં, આંખના ડોક્ટર કેતન લીંબચીયા દ્વારા મશીન બંધ હોવાનું બહાનું કાઢીને છેલ્લા એક વર્ષથી ઓપરેશન કરવામાં આવી રહ્યા નથી.
RMO ના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પ્રશાસને મશીનના ટેકનિકલ જાણકારો પાસે લેખિતમાં અભિપ્રાય લીધો છે, જેમાં મશીન બરાબર હોવાનું સાબિત થયું છે. આમ છતાં ડોક્ટર ઓપરેશન ટાળતા હોવાથી આ મામલે વ્યાવસાયિક ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે.
ડોક્ટરો વચ્ચેના વિવાદમાં દર્દીઓ બન્યા 'બલિનો બકરો'
સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અંદરોઅંદર જ સામસામે આવી જતાં સામાન્ય અને ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. જે દર્દીઓ સિવિલમાં મફત સારવારની આશાએ આવે છે, તેમને મશીન બંધ હોવાનું કહીને પાછા કાઢવામાં આવે છે. પરિણામે, મજબૂર દર્દીઓએ હજારો રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે.
એક વર્ષથી અટકેલી સારવાર: સવાલ એ ઉઠે છે કે જો મશીન એક વર્ષથી બંધ હતું, તો તંત્ર દ્વારા તેને રિપેર કરવાની તસ્દી કેમ ન લેવાઈ? અને જો મશીન ચાલુ હતું, તો ડોક્ટર કેમ ઓપરેશન નહોતા કરતા?
સીધી ફરિયાદ અને તપાસનો ધમધમાટ
આ મામલે હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. RMO એ તમામ પુરાવાઓ અને ટેકનિકલ રિપોર્ટ સાથે ડો. કેતન લીંબચીયા વિરુદ્ધ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી છે. આ વિવાદ માત્ર હોસ્પિટલ પૂરતો મર્યાદિત ન રહેતા હવે ગાંધીનગર આરોગ્ય વિભાગ અને CM કાર્યાલય સુધી પહોંચ્યો છે.

