VIDEO: સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર ત્રાટકી પોલીસ, 7 કૂવા સીલ
VIDEO: ઝાલાવાડના સાયલા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાયલા પોલીસની ટીમે ચોરવીરા ગામના સીમ વિસ્તારમાં ચાલતી કાર્બોસેલની ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મશીનો અને ખનીજનો જથ્થો કબજે કરીને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.
શું છે આખો મામલો
સાયલા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોરવીરા વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:
કાર્બોસેલના કૂવા: કુલ 7 ગેરકાયદે કૂવાઓ ઝડપાયા.
વાહનો: 1 લોડર અને 2 ટ્રેક્ટર.
સાધન-સામગ્રી: 1 જનરેટર, 10 પાઈપો અને 5 બકેટ.
ખનીજ જથ્થો: અંદાજે 180 મેટ્રિક ટન કાર્બોસેલ.
પોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ખનીજ વિભાગને સોંપાઈ તપાસ
ઝડપાયેલા તમામ ગેરકાયદે કૂવાઓ અને મુદ્દામાલની આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. તમામ જપ્ત કરેલા વાહનો અને કાર્બોસેલનો જથ્થો સુરેન્દ્રનગર ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. હવે ખનીજ વિભાગ દ્વારા કૂવામાંથી કેટલું ખોદકામ થયું છે તેની ઝીણવટભરી માપણી કરવામાં આવશે અને તેના આધારે જવાબદારોને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

