Surendranagar/ મૂળીમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈનું જિલ્લા પંચાયતના પુત્ર પર ફાયરિંગ, રાજકીય દબાણ વચ્ચે નોંધાઈ ફરિયાદ

સુરેન્દ્રનગર: ઝાલવાડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મૂળીના ભરબજારમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય વાહન ચલાવવા જેવી બાબતમાં થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈએ પરવાનાવાળા હથિયારથી ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી.
ભરબજારમાં ફાયરિંગથી દહેશત
મળતી માહિતી મુજબ, મૂળીના મુખ્ય બજારમાં વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈ હરિચંદ્રસિંહએ પોતાની પાસે રહેલા પરવાનાવાળા હથિયાર (રિવોલ્વર/બંદૂક) માંથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર સત્યજિતસિંહને નિશાન બનાવીને કરવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે.
રાજકીય ગરમાવો અને સમાધાનના પ્રયાસો
આ ઘટનામાં બંને પક્ષો રાજકીય વગ ધરાવતા હોવાથી મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સ્થાનિક મોટા નેતાઓ દ્વારા આ મામલો થાળે પાડવા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે મોડી રાત સુધી ભારે માથામણ કરવામાં આવી હતી.
દબાણો વચ્ચે પોલીસ ફરિયાદ
રાજકીય દબાણ હોવા છતાં, મામલો ગંભીર હોય અને જાહેરમાં ફાયરિંગ થયું હોવાથી અંતે મૂળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને પગલે બજારમાં વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ હવે હથિયારના લાયસન્સ અને ફાયરિંગના કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.

