મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર/ રામગ્રીના ખેડૂતનું અપહરણ કરી માર માર્યો, ખંડણી પેટે 25 લાખ માંગી અઢી લાખ પડાવી લીધા 

પાટડીના રામગ્રીના આધેડનું અપહરણ કરી માર મારી રૂ.25 લાખની માંગણી કરી રોકડા રૂ. 2.50 લાખ પડાવી લીધાની

સુરેન્દ્રનગર/ રામગ્રીના ખેડૂતનું અપહરણ કરી માર માર્યો, ખંડણી પેટે 25 લાખ માંગી અઢી લાખ પડાવી લીધા 

પાટડીના રામગ્રીના આધેડનું અપહરણ કરી માર મારી રૂ.25 લાખની માંગણી કરી રોકડા રૂ. 2.50 લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રામગ્રીના આધેડ દ્વારા સેડલાના એક શખશ સહીત કુલ ચાર શખશો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અગાઉ ઘરમાં આ જ વ્યક્તિએ ચોરી કરી

પાટડી તાલુકાના રામગ્રી ગામે જયંતીભાઈ આસજોલીયા અને તેમના પત્ની અમદાવાદ પુત્રવધુની તબીયત સારી ન હોવાથી ત્યા રહેવા ગયા હતા. બાદમાં તેઓ પોતાના રામગ્રી ગામના મકાને આવ્યા હતા. ત્યારે તપાસ કરતા ઘરના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 81,000 તેમજ રોકડ રૂા. 1.05 લાખ સહિત કુલ રૂા.1.86 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. જે અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ચોરી સેડલા ગામના ભાણજીખાન ઉર્ફે ભનીયો મુરીદખાન જતમલેકે કર્યું હોવાનું ખુલ્યું હતું.

રસ્તામાં તેમને રોકી અપહરણ કર્યું

ત્યારે રામગ્રી ગામના 56 વર્ષના આધેડ જયંતીભાઈ કલ્યાણભાઈ આસજોલીયા (પટેલ) પોતાની કાર લઈને ધંધાના કામ અર્થે ધ્રાંગધ્રાથી કામ પતાવીને રામગ્રી પરત આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં કચોલીયાથી કામલપુર ગામ વચ્ચે આવેલી પેપરમીલ કંપની પાસે પહોંચતા બે મોટર સાયકલ પર આવેલા સેડલા ગામના ભાણજીખાન ઉર્ફે ભનીયો મુરીદખાન જતમલેક સહિતના અન્ય ત્રણ અજાણ્યા શખશોએ રામગ્રી ગામના જયંતીભાઈ કલ્યાણભાઈ આસજોલીયા (પટેલ)ને માર મારી રૂ. 25 લાખ આપ નહીં તો તને અહીં જ પતાવી દેવાનો છે એવું કહીને એમના મોબાઈલમાં જયંતીભાઈ કલ્યાણભાઈ આસજોલીયાનો વિડિયો બનાવ્યો હતો.

ગાડીમાં બેસાડી ઘરે લઈ જઈ અઢી લાખ લૂંટી લીધા

આ વિડિયોમાં એમને ઓગણીસ લાખ બ્યાશી હજાર કપાસના વેપારના આપવાના છે. એમ બોલતો વિડીયો બનાવી અત્યારે રૂ. 5 લાખ આપવાનું જણાવી એમને ગાડીમાં બેસાડી એમના ઘેર લઇ જઈને કબાટમાં રાખેલા રૂ. 2.50 લાખ રોકડા લઇ ગયા હતા. અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે બાકીની રકમ કાલ સાંજ સુધીમાં આપવાનું જણાવી જતા રહ્યા હતા. 

 ચારેય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન

આ બનાવ અંગે રામગ્રી ગામના જયંતીભાઈ કલ્યાણભાઈ આસજોલીયા (પટેલ)એ સેડલા ગામના ભાણજીખાન ઉર્ફે ભનીયો મુરીદખાન જતમલેક સહિત અન્ય ત્રણ અજાણ્યા શખશો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બજાણા પોલીસે અપહરણ સહિતનો ગુન્હો દાખલ કરી ચારેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એ. કે. વાઘેલા ચલાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો