સુરતમાં યુવાનને મધ્યસ્થી બનવું પડ્યું ભારે, મહિલાની છેડતીમાં માથાભારે ટોળકીએ હુમલો કરી કાપી નાખ્યું હાથનું કાંડુ

સુરતના અમરોલી વિસ્તારની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની છેડતી મામલે સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવાન ઉપર માથાભારે ટોળકીએ તલવાર વડે હુમલો કરીને હાથનું કાંડું કાપી નાંખ્યું હતું. જ્યારે તેને બચાવવા ગયેલા બે યુવાઓને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી.
હાથનું કાંડુ કાપ્યું
માથાભારે યુસુફે વિશાલના ડાબા હાથના કાંડાના ભાગે તલવારનો ઘા મારી કાપી નાંખ્યું હતું, તેમજ મયૂર સોલંકીને ચાકુનો ઘા મારતા ઈજા પામ્યો હતો. જ્યારે હુમલામાં બચાવવા ગયેલા હાર્દિકને પેટ અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને લોહીલુહાણ કર્યા હતા ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હુમલાના બનાવમાં કાર લે વેચના વ્યવસાયકાર મયૂર જેન્તીલાલ સોલંકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઈજાગ્રસ્ત વિશાલ દેવમુરારી પણ કાર લે-વેચનો ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે.
તિક્ષણ હથિયારથી હુમલો
છાપરાભાઠા રોડ ઉપરની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની નજીક રહેતા ઈરફાન કરામત શેખ નામના યુવાને છેડતી કરી હતી. ઉપરાંત મહિલાના ઘરની બારીની તોડફોડ કરી હતી. આ બનાવમાં સમાધાન થયું હતું. દરમિયાન સમાધાનમાં મધ્યસ્થી બનેલા વિશાલ સતીષભાઈ દેવમોરારી ઉપર મધુવન સોસાયટીમાં રહેતા યુનુસ, સિકંદર, ઈમરાન, ઈરફાન, ઈસ્લામ અને ઉસ્માન સહિતે તલવાર વડે હુમલો કરાયો હતો.

