Video/ Suratમાં તંત્રની ઘોર બેદરકારી, મોલ પાસે ખુલ્લી ગટર બન્યું 'ડેથ ટ્રેપ', સ્થાનિકોએ જ સંભાળ્યો મોર્ચો
સ્માર્ટ સિટી સુરતના પોશ વિસ્તાર ગણાતા રાહુલ રાજ મોલની બાજુમાં આવેલ સુમન આવાસ પાસે તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. અહીં રોડની વચ્ચે ખુલ્લી ગટર વાહનચાલકો માટે જીવતું જોખમ બની છે. AC ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ આ ખુલ્લી ગટર પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
સ્થાનિક યુવક-યુવતીઓએ જગાડ્યું તંત્રને
ગમે ત્યારે કોઈ વાહનચાલક આ મોતના મુખમાં ધકેલાઈ શકે તેવી ભીતિ વચ્ચે સ્થાનિક યુવાનો અને યુવતીઓએ જાગૃતતા દાખવી છે. તંત્રની રાહ જોયા વગર, સ્થાનિકોએ ભેગા મળીને ખુલ્લી ગટરની આસપાસ પથ્થર અને લાકડા મૂકીને વાહનચાલકોને એલર્ટ કરવાનું શરૂ કર્યું છે. લોકોમાં ભારે રોષ છે કે જે કામ કોર્પોરેશનનું છે, તે કામ જનતાએ કરવું પડી રહ્યું છે.
અંધારામાં અકસ્માતનો ભય બમણો
સ્થાનિક યુવતીઓએ રોષે ભરાતા જણાવ્યું હતું કે, "આ ગટર પર કોઈ ઢાંકણ નથી અને સૌથી ખતરનાક વાત એ છે કે અહીં સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા નથી. રાત્રિના અંધારામાં દૂરથી આવતા વાહનચાલકને અંદાજ પણ નથી આવતો કે આગળ રસ્તો તૂટેલો છે કે ગટર ખુલ્લી છે."
બાઈક અને ફોર વ્હીલરના જોખમી દ્રશ્યો
ઘટના સ્થળેથી પસાર થતી ફોર વ્હીલર અને બાઈકો આ ગટરની સાવ નજીકથી પસાર થાય છે. જરા પણ ચૂક થાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકા કોઈનો જીવ જવાની રાહ જોઈ રહી છે?

