સુરતમાં બેફામ દોડતી સિટી બસે વધુ એકનો ભોગ લીધો, મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મોત

સુરતમા અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર બેફામ પણે ચલાવાતી સિટી બસની અડફેટે એક મહિલાનો ભોગ લેવાયો હતો. અડાજણ વિસ્તારમાં માતા પોતાના બાળકને શાળાએ છોડીને ઘરે પરત ફરી રહી હતી. જો કે, રસ્તામાં કાળમુખી બસ ભેટી જતાં મહિલાનું મોત નીપજ્યું હતું.
બાળકને શાળાએ છોડવા ગયા હતા
અડાજણ વિસ્તારમાં શ્રીરામ પેટ્રોલ પંપની સામે સિટી બસે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી. મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મહિલા પોતાના બાળકને શાળાએથી છોડી ઘરે પરત ફરી રહ્યાં હતાં. ઉગત સરસ્વતી રેસિડેન્સિમાં રહેતા દિવ્યાબેન સોની ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળે મોત થયું હતું.
લોકોમાં રોષ
ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અડાજણ પોલીસે સિટી બસના ડ્રાઇવરની અટકાયત કરી હતી. અકસ્માત બાદ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો. લોકોએ કહ્યું કે, સિટી બસના ચાલકો બેફામ પણે બસ ચલાવતા હોવાથી આ પ્રકારના અકસ્માતો સર્જાય છે.

