પ્રેમ, પૈસા કે પીડા? સુરત ભાજપના મહિલા નેતાના આપઘાતનો કોયડો અકબંધ, ઉઠી રહ્યાં છે અનેક સવાલો

સુરત મનપાના વોર્ડ ન. 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખના અપમૃત્યુની ઘટનાએ શહેરના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે. અલથાણના મહિલા નેતા 34 વર્ષીય દીપિકા પટેલનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો છે. દીપિકાએ આપઘાત કર્યાના સમાચાર વહેતા થયા છે. જોકે ઘટના સમયે પરિવારજનો પહેલાં દીપિકાના ઘરે કોર્પોરેટર ચિરાગ સોલંકી અને આકાશ નામનો વ્યક્તિ પહોંચ્યો હતો. સમગ્ર આપઘાતમાં પૈસા, પ્રેમ કે પીડા ક્યા કારણોસર આપઘાત કર્યો તેને લઈને તપાસ ચાલી રહી છે.
સંપન્ન પરિવારમાં ચિંતા નહોતી
બ્રાહ્મણ ફળિયામાં દીપિકા પટેલનું બે માળનું મકાન આવેલું છે. જેમાં પહેલાં માળે દીપિકા પરિવાર સાથે રહેતી હતી. જ્યારે નીચે જેઠ અને જેઠાણી રહેતા હતા. દીપિકા ખૂબ જ હિંમતવાન મહિલા હતી. તેમના પરિવારના તમામ નિર્ણયો પણ તે જ લેતાં હતાં. સુખી સંપન્ન પરિવાર હોવાથી કોઈપણ પ્રકારનું દુઃખ ન હતું. આખો પરિવાર ખૂબ જ ખુશીથી રહેતો હતો. વારે તહેવારે ફરવા જતા હતા. આ સાથે જ્યારે પણ પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ આવે તેને ઘરે જ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા.થોડા સમય પહેલા જમીન વેચી તેના રૂપિયા કોઈને આપ્યા બાદ પરત ન કર્યા હોય તેવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી
સોશિયલ મીડિયામાં પોતાના વિસ્તારના નેતાઓની પણ તસવીર અપલોડ કરતી હતી. આ સાથે જ પરિવાર અને તેના મનેલા ભાઈ ચિરાગ સોલંકીની પણ તસવીરો અપલોડ કરતી હતી. આપઘાત કર્યો તે સવારે દીપિકાએ મામા-મામીની એનિવર્સરી અંગે સ્ટોરી મુકી હતી. દીપિકા પટેલ રવિવારે સવારે ખુશ હતી. ઈન્સ્ટાગ્રામ પર મામા-મામીની એનિવર્સરી અંગેની સ્ટોરી પણ મુકી હોવાનું જાણવા મળે છે. પણ બપોર બાદ કેમ આ પગલુંભર્યું? તે અંગે અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઇ રહી છે.
કોર્પોરેટર સૌથી પહેલાં પહોંચેલો
ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ દીપિકા પટેલના ઘરમાં હાજર હતા. તો સૌથી પહેલો સવાલ એ ઉભો થાય કે એક જ ઘરમાં હાજર હોવા છતાં તેમણે દીપિકા પટેલને આત્મહત્યા કરતા રોક્યા કેમ નહીં. બીજી વાત એ કે કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો મૃતદેહ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઇ ગયો. કોર્પોરેટર ચિરાગે શા માટે પોલીસ આવવાની રાહ ન જોઈ?
દીપિકા પટેલના સંબંધીના સનસનીખેજ આક્ષેપ
મૃતક દીપિકા પટેલના સંબંધી નિમેષ પટેલે આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ તેમના ઘરમાં હતા. આ સિવાય દીપિકા પટેલના ઘરનું કોઈ વ્યક્તિ હાજર ન હતું. તેમણે કહ્યું કે કોર્પોરેટર ચિરાગ પટેલે શા માટે મૃતદેહ ઉતાર્યો. નિમેષ પટેલે આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.

