Video: વડોદરામાં ભાજપના કોર્પોરેટર અને અધિકારી વચ્ચે છૂટ્ટા હાથે મારામારી, ઘટનાનો વીડિયો વાયરલ

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટીયા અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. મારામારીનો વીડિયો પણ વાયરલ થતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સામસામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા
વડોદરા શહેરના ખોડીયાર નગર પાસે આવેલા રામદેવ નગરમાં પાણીના મુદ્દે આજે બપોરે સ્થાનિક કોર્પોરેટર મયુર ચોવટીયા અને પાણી પુરવઠાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી તેમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. કોર્પોરેટર દ્વારા અધિકારીને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. વિસ્તારના વિકાસકામો અને સ્થાનિક પ્રશ્નોને લઈને શરૂ થયેલી માથાકૂટ મારામારી સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલો હવે બાપોદ પોલીસ મથકે પહોંચ્યો અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી જઈ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના બાદ ભાજપમાં ચર્ચાનો વિષય
કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ હાલના કોર્પોરેટર મયુર ચોવટીયા કેટલીક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તેમને પૂછ્યા સિવાય કામ કરવું નહીં તેવી જીદ સાથે તેઓ અધિકારીઓ પર રોફ જમાવતા હતા.








