સુરતમાં ચાલતા બોગસ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો વિરોધ, NSUIએ કલેક્ટર કચેરીએ નકલી નોટનો કર્યો વરસાદ
સુરતમાં બોગસ રીતે ચાલતા માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટયૂટને લઈને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યાં

સુરતમાં બોગસ રીતે ચાલતા માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટયૂટને લઈને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ત્યારે આજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. માં કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી કરાયો વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે નકલી નોટના રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો હતો.
કાયદેસરના પગલા લેવા માગ
એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર અને બેનરો સાથે વિરોધ કરાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈ બેંગ્લોર ભણાવાય છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ જમા લઈ લીધા છે. 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
ત્રણ માગ કરાઈ
એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપનો નકલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે માં કામલ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આદિવાસી અને ગરીબો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ધકેલવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલે છે. તેમ છતાં કોઈ પગલાં ભરાતાં નથી. ત્યારે અમારી ત્રણ માગણી મુખ્ય છે. જેમાં ડોક્યુમેન્ટ પરત કરવા, ફી પરત કરવી અને સીબીઆઈ તપાસની માગ સાથે આવા ઈન્સ્ટિટ્યુટ પર કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.








