ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતી મિજાજમાં ચગાવી પતંગ, બર્ડ રેસ્ક્યુ સેન્ટરની લીધી મુલાકાત
ઉત્તરાયણની રાજ્યભરમાં રંગેચંગે થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ સુરતીઓ અસ્સલ મિજાજમાં

ઉત્તરાયણની રાજ્યભરમાં રંગેચંગે થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ સુરતીઓ અસ્સલ મિજાજમાં પતંગ ચગાવવાની મજા માણી રહ્યાં છે. ત્યારે સામાન્ય દિવસોમાં પોતાના કાર્યક્રમમાં અને કામમાં વ્યસ્ત રહેતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણે પતંગ ચગાવવાની મજા માણી હતી. સંધવીએ પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે સાથે બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.
લોકોએ ચીચીયારી બોલાવી
અડાજણ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. હર્ષ સંઘવીએ પતંગની દોર પોતાના હાથમાં રાખી હતી. જ્યારે તેમના પત્નીએ ફિરકી પકડી હતી. પતંગ ચગાવતા જ આસપાસમાં લોકોએ ચીચીયારીઓ બોલાવી હતી. જ્યારે પતંગ કપાતાની સાથે જ કાપ્યો છે..ના નારા લગાવવામાં આવ્યા હતાં.
બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરુણા અભિયાન અંતર્ગત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રયાસ જીવદયા સંસ્થાના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. સંસ્થાની 10 જેટલી ટીમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બર્ડ રેસ્ક્યુ ટિમને એક મેડિકલ કીટ પણ આપવામાં આવી જેથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે છે. પ્રાથમિક સારવાર બાદ પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની સારવાર કરવામાં આવે છે. 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહેશે.








