Video: લૂંટના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

સુરતના લીંબાયત વિસ્તારમાં લૂંટના આરોપીને ઝડપવા જતા પોલીસ પર હુમલો થયો હતો. જેમાં પીઆઈ ડી ડી ચૌહાણે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના ડાબા પગમાં ગોળી વાગી હતી. આરોપીને પકડવાની કોશિશ દરમિયાન તેણે કમરમાંથી ચપ્પુ કાઢી ASI અનિલકુમારના પેટના ભાગે હુમલો કર્યો હતો, જેના પગલે PI ચૌહાણે ચપ્પુ ફેંકી દેવાની ચેતવણી સાથે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં આરોપીએ PI પર પણ હુમલાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં ગોળીબાર કરાયો હતો. ઈજાગ્રસ્ત ASI અનિલકુમારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને આરોપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીની ઓળખ પરવેઝ અન્સારી તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગઈકાલે વહેલી સવારે સાથી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં ચાર લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી છે.












