થર્ટી ફર્સ્ટ પર ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટી કરવાના છો? તો ફરી વિચારી લેજો! સુરત પોલીસ રાખશે ચાંપતી વોચ
નવા વર્ષની ઉજવણી એટલે કે થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને યુવાધન નશાના રવાડે ન ચઢે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકે તે માટે સુરત એસઓજી (SOG) પોલીસ દ્વારા કડક આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે બાજ નજર
સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતના સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં મોટી પાર્ટીઓનું આયોજન થતું હોય છે. આ વખતે પોલીસ કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. ડીસીપી રાજદીપ સિંહ નકુમ (SOG) ના જણાવ્યા અનુસાર, ડુમસ અને અમરોલી જેવા વિસ્તારો જ્યાં ફાર્મ હાઉસની સંખ્યા વધુ છે, ત્યાં ડ્રોન કેમેરા દ્વારા આકાશી નજર રાખવામાં આવશે. જો કોઈ પણ ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટી કે અન્ય નશીલા પદાર્થોનું સેવન થતું જણાશે, તો તાત્કાલિક દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ દિવસમાં ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. છેલ્લા માત્ર 3 દિવસમાં જ સુરત એસઓજીએ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને 18 લાખ રૂપિયાથી વધુની કિંમતના હુક્કા અને તેને લગતા સાધનો કબજે કર્યા છે. પકડાયેલા દુકાનદારોએ કબૂલાત કરી છે કે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે જ હુક્કાનું સૌથી વધુ વેચાણ અને બુકિંગ થતું હોય છે.
પોલીસની વ્યૂહરચના
સૌથી વધુ ફાર્મ હાઉસ ધરાવતા ડુમસ અને અમરોલી વિસ્તારમાં પોલીસનું વિશેષ પેટ્રોલિંગ રહેશે. એસઓજી દ્વારા અલગ-અલગ ટિમો બનાવીને બાતમીદારોના આધારે "વન-ટુ-વન" સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ફાર્મ હાઉસમાં આયોજિત થતી પાર્ટીઓમાં હુક્કાના દૂષણને રોકવા માટે પોલીસ મક્કમ છે.

