સુરત બન્યું નકલી ડોક્ટરનું હબ! બોગસ સર્ટીફિકેટના આધારે પ્રેક્ટિસ કરતાં વધુ 3 દબોચાયા

ટેક્સટાઈલ અને ડાયમંડ બાદ જાણે સુરત નક્લી ડોક્ટરનું હબ બન્યું હોય તેમ વધુ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યાં છે. સુરતમાં લીંબાયત પોલીસની ટીમે ડોક્ટરનું નકલી સર્ટીફીકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને ઝડપી પાડ્યા છે. પોલીસે દવા તથા મેડીકલના સરસમાન મળીને કુલ ૧.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ઝડપાયા
સુરતમાં ગતરોજ ડીંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહીત ૬ બોગસ તબીબોને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા દરમ્યાન વધુ ત્રણ બોગસ તબીબો લીંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે. લીંબાયત પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી ૩ બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. લીંબાયત પોલીસને બાતમી મળી હતી કે લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમુક ઈસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરુ કરી તેઓ પોતે કોઈ પણ જાતની સક્ષમ ડીગ્રી ધરાવતા ના હોય તેમ છતાં મેડીકલ પ્રેક્ટીસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડીગ્રી વગર ડોકટરી પ્રેક્ટીસ કરે છે.
નકલી સર્ટિફિકેટ મળ્યાં
બાતમીના આધારે લીંબાયત પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી અને નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. લીંબાયત પોલીસે ધર્મરાજ બૈજનાથ યાદવ [ઉ.૪૮] રાજેશ રામકિશોર યાદવ [ઉ.૫૪] અને દીના આદિત્ય કલીતા [ઉ.૩૪] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દવા તથા મેડીકલના સર સમાન મળીને કુલ્લે ૧.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
નર્સની જગ્યાએ ડોક્ટરનું કામ
બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લીંબાયત પોલીસને માહિતી મળી હતી કે લીંબાયત વિસ્તારમાં ૩ લોકો કોઈ પણ જાતથી ઓર્થોરીટી ના હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરી હતી જેમાં ૩ ડોકટરો પકડાયા હતા. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે તેમજ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન વગેરે મળી કુલ ૧.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ લોકો પાસે કોઈ પણ જાતની ડીગ્રી ના હતી અને એક મહિલા છે તેણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું અમને જણાવ્યું છે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે કેટલો સમય તેણે નર્સિંગ તરીકે પ્રેક્ટીસ કરી છે આ ઉપરાંત તેણે નર્સિંગ તરીકે પ્રેક્ટીસ કર્યા બાદ આ પ્રકારની તેને ઓથોરીટી છે કે નહી તે અંગે પણ તપાસ કરી રહ્યા છીએ આ મામલે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

